Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

રૂ.૫૦ કરોડથી વધુ રકમના ડિફોલ્ટર્સના વિદેશ જવા પર પ્રતિબંધ મૂકાશે

વિદેશ યાત્રા જતાં પહેલાં મંજૂરી મેળવવી પડશે. આ માટે સરકાર પાસપોર્ટ એકટની કલમ ૧૦માં સુધારા કરવા જઇ રહી

નવી દિલ્હી, તા.૮: કેન્દ્ર સરકાર હવે લોન લઇને ભરપાઇ નહીં કરતાં મોટા ડિફોલ્ટર પર લગામ કસવા જઇ રહી છે. હવે રૂ.પ૦ કરોડથી વધુ રકમના ઇરાદાપૂર્વકના ડિફોલ્ટર્સ (વિલફૂલ ડિફોલ્ટર)ના વિદેશ પ્રવાસ પર નિયંત્રણો મૂકવા સક્રિય વિચારણા ચાલી રહી છે.

આવા ડિફોલ્ટરોએ વિદેશ યાત્રા જતાં પહેલાં મંજૂરી મેળવવી પડશે. આ માટે સરકાર પાસપોર્ટ એકટની કલમ ૧૦માં સુધારા કરવા જઇ રહી છે. તેનાથી વિલફૂલ ડિફોલ્ટર્સને દેશમાંથી ભાગી જતા રોકી શકાશે. ડિફોલ્ટર્સને વિદેશ ભાગી જતા રોકવા માટે ઉપાયો સૂચવવા રચવામાં આવેલ ફાઇનાન્શિયલ સર્વિસ સેક્રેટરી રાજીવકુમારનાં વડપણ હેઠળની સમિતિએ પોતાના રિપોર્ટમાં આવું સૂચન કર્યું છે.

એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે ઇન્ડિયન પાસપોર્ટ એકટની કલમ ૧૦માં સુધારો કરવાની સૂચન કર્યું છે. આ સુધારા દ્વારા એક નિર્ધારીત મર્યાદાથી વધુ લોનના વિલફૂલ ડિફોલ્ટરને જાહેર હિતમાં નાણાકીય કે આર્થિક જોખમરૂપ ગણવામાં આવી શકે છે. આ માટે લોનની મર્યાદા રૂ.પ૦ કરોડની નક્કી કરાશે.

પાસપોર્ટ એકટની કલમ ૧૦ પાસપોર્ટ અને ટ્રાવેલ ડોકયુમેન્ટમાં ફેરફાર, તેની જપતી અને તેને રદ કરવા સાથે સંકળાયેલ છે. સરકારે માર્ચમાં એ કરજદારોના પાસપોર્ટની વિગતો પ્રાપ્ત કરવા આદેશ કર્યો હતો કે જેમણે રૂ.પ૦ કરોડ કે તેથી વધુ રકમની લોન લીધી હોય.

સમિતિએ પોતાની ભલામણમાં જણાવ્યું છે કે વિદેશ પ્રવાસ પર કોઇપણ પ્રતિબંધ યોગ્ય કારણ પર આધારિત અને કાયદાનુસાર હોવો જોઇએ. બેન્કિંગ સિસ્ટમમાં મોટા સુધારા કરવાના હેતુથી નાણાં મંત્રાલયે સરકારી બેન્કને રૂ.પ૦ કરોડથી વધુ રકમના એનપીએ એકાઉન્ટની ફોર્ડની આશંકાને લઇ તપાસ કરવા જણાવ્યું છે.(૨૩.૧૧)

(4:01 pm IST)