Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

અફઘાનો - તાલિબાનો વચ્ચે બે દિવસીય શાંતિ શિખર બેઠકનો પ્રારંભ

  દોહાઃ એક બાજુ કટ્ટર પ્રતિસ્પર્ધીઓ સહિતના ડઝનબંધી શકિત શાળી અફઘાનો અને તાલિબાનો વચ્ચે આજે દોહામાં બેઠક યોજાઇ હતી ત્યારે બીજી બાજુ ૧૮ વર્ષ પુરાણા યુધ્ધનો અંત આણવા માટે અમેરિકા, બળવાખોરો સાથે અલગ ચર્ચા કરી રહ્યું છે. મંત્રણાના બંને ટેબલ પર વિધેયાત્મક પરિણામોની ઊંચી આશા રખાઇ રહી છે. અમેરિકા આગામી સપ્ટમ્બરમાં યોજાનારી અફઘાન પ્રમુખની ચૂંટણી પહેલાં તાલિબાનો સાથે રાજકીય કરાર ઇચ્છે છે કે જેથી વિદેશી દળોને પાછા ખેંચવાનું કામ શરૂ થાય.

અફઘાનો અને તાલિબાનો વચ્ચે દોહાની લકઝરી હોટલમાં યોજાયેલી શિખર બેઠકને ચુસ્ત સુરક્ષા પૂરી પડાઇ હતી. બેઠકમાં ભાગ લઇ રહેલા લગભગ ૭૦ ડેલિગેટોએ એમના ફોન સિકયોરિટિ તંત્રમાં જમા કરાવી દેવા પડયા હતા. એ પછી મીટિંગ- હોલમાં ગોઠવાયેલા વિશાળ અર્ધ વર્તુળાકાર ટેબલ સામે મોટો વીડિયો-સ્ક્રીન લગાવાયો હતો. ડેલિગેટોએ આ ટેબલ પર, કતાર અને જર્મનીથી આવેલા યજમાનો સાથે, સ્થાન લીધું હતું.

અફઘાનિસ્તાન અને પાકિસ્તાન માટેના વિશેષ જર્મન પ્રતિનિધિ માર્કુસ પોટઝેલે બેઠકને સંબોધતા કહ્યું કે અહીં બેઠેલા પ્રત્યેક ડેલિગેટ માટે આ બેઠક હિંસક બદલાને શાંતિમય મંત્રણામાં પલટી નાખવાની અજોડ તક સાથે અજોડ ઉત્ત્।રદાયિત્વ રહેલું છે.

ગિનિચ મીનટાઇમ (જીએમટી) અનુસાર આજે સવારે ૬.૩૦ વાગ્યે શરૂ થયેલી અફઘાનો અને તાલિબાનો વચ્ચની આ બેઠકમાં ઉપસ્થિત કતારના વિદેશ મંત્રાલયના ત્રાસવાવિરોધી વિશેષ દૂત મુતલાક- અલ- કાહતાનિએ એમના અફઘાન ભાઇ-બહેનોને જોઇને અત્યંત ખુશી વ્યકત કરી હતી.

'અમે અફઘાનિસ્તાનના સુંદર ભાવિ માટે રોડ મેપ ઇચ્છીએ છીએ'', એમ એમણે બે જૂથો વચ્ચ મંત્રણાના આરંભ અગાઉ મંત્રણા સ્થળેથી વિદાય લેતી વખતે પત્રકારોને જણાવ્યું.

દોહામાં બીજી બાજુ ચાલી રહેલી અમેરિકા- તાલિબાનો વચ્ચેની છ દિવસીય વાટાઘાટોમાં ઉપરોકત અફઘાન- તાલિબાન બેઠકના પગલે બે દિવસનો વિરામ રાખવામાં આવ્યો છે. આ મંત્રણા હવે મંગળવારે આગળ ધપાવાશે. અમેરિકા તરફી મુખ્ય વાગાઘાટકાર ઝાલમે ખળિલઝાદે ગઇકાલે અમેરિકા- તાલિબાન વચ્ચે યોજાયેલા છેલ્લામાં છેલ્લાં રાઉન્ડને અન્ય તમામ રાઉન્ડ કરતાં સહુથી વધુ ફળદાયી ગણાવ્યો હતો.

પહેલી જ વાર અમારા ચાર મુદ્દા - ત્રાસવાદ, વિદેશી દળોની વાપસી, આંતરિક અફદ્યાન વાટાઘાટો અને યુધ્ધ વિરામ - વિષે તાલિબાનો સાથે પ્રગતિરૂપ ચર્ચા થઇ છે, એમ એમણે ઉમેર્યું. કતાર સ્થિત તાલિબાન પ્રવકતા શાહીને પણ મંત્રણામાં થયેલી પ્રગતિથી આનંદ વ્યકત કરતા કહ્યું કે ચંર્ચામાં હજી સુધી કોઇ વિઘ્ન આવ્યું નથી.

અફઘાન- તાલિબાનો વચ્ચે યોજાઇ રહેલી બે દિવસીય શિખર- બેઠકમાં અમેરિકા સાધે સીધું કોઇ રીતે ભાગ લઇ રહ્યું નથી. બીજી બાજુ અમેરિકા તાલિબાનો વચ્ચેની વાટાઘાટોમાંથી રાષ્ટ્રપતિ અશરફ ધાનિના વહીવટીતંત્રને બાકાત રાખવામાં આવ્યું છે. તાલિબાનો ધાની રાજને પપેટ શાસન ગણાવતા રહ્યા છે.

(4:05 pm IST)