Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

કાનપુરથી અમદાવાદ આવતી બસ ટ્રક સાથે ટકરાઈ પુલ પરથી નીચે ખાબકી : 16 લોકોના કરૂણમોત : 20થી વધુ લોકો ઘાયલ

કાનપુરના સાચેંડીમાં ગમખ્વાર અકસ્માત : સીએમ યોગીએ સિનિયર અધિકારીઓને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચવા અને તમામ મદદ માટે કર્યા આદેશ

ઉત્તર પ્રદેશના કાનપુરમાં મોટો અકસ્માત થયો છે.પૂર ઝડપે આવતી બસે મિની ટ્રકને ટક્કર મારી દીધી બાદ બસ પુલ પરથી નીચે ખાબકી હતી. આ દુર્ઘટનામાં 16 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા થયા છે  અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને હેલેટ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

 અકસ્માતની જાણકારી મળતાની સાથે જ સીએમઓ ખુદ હેલેટમાં સારવારની વ્યવસ્થા માટે પહોંચી ગયા છે. મળતી માહિતી મુજબ આ અકસ્માત કાનપુરના સાચેંડીમાં થયો છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે આ બસ કાનપુરથી અમદાવાદ આવી રહી હતી.

આ સાથે મુખ્યમંત્રીએ સિનિયર અધિકારીઓને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચવા અને દરેક રીતે શક્ય મદદ કરવા સૂચના આપી છે. આ સાથે ઈજાગ્રસ્તોને વધુ સારી તબીબી સારવાર આપવાની સૂચના પણ આપવામાં આવી છે.

મળતી માહિતી મુજબ હાલ હેલેટમાં પાંચ ઈજાગ્રસ્તો દાખલ છે, જેની સારવાર ચાલી રહી છે. ડોકટરોના જણાવ્યા મુજબ, તમામની હાલત નાજુક હોવાની વાત સામે આવી છે. બીજી તરફ હોસ્પિટલ અનુસાર, ચાર લોકોને પ્રથમ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, તે પછી બીજા છ લોકોને લાવવામાં આવ્યા હતા. શરૂઆતમાં હોસ્પિટલમાં લાવવામાં આવેલા તમામ લોકોનું મોત નીપજ્યું હતું. ધીરે ધીરે અન્ય ઘાયલો પણ મરવા લાગ્યા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 16 લોકોનાં મોત નીપજ્યાં છે અને પાંચ ઘાયલોની સારવાર ચાલી રહી છે. સીએમ યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારને બે-બે લાખ સહાયની જાહેરાત કરી છે.

(12:05 am IST)