Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

સુંદર વનનો વાઘ ૧૦૦ કિમીનું અંતર કાપીને કેટલીક નદીઓ-ઝરણાઓ પાર કરી બાંગ્લાદેશ પહોંચી ગયો

રેડીઓ કોલરમાં વાઘને ત્યાંના મેન્ગ્રોવ વિસ્તારમાં દેખાયો : વન અધિકારીઓ પરેશાન

નવી દિલ્હી : વાઘના કુદરતી નિવાસસ્થાન તરીકે જાણીતા સુંદર વનનો વાઘ ૧૦૦ કિમીનું અંતર કાપીને બાંગ્લાદેશ પહોંચી ગયો છે. પશ્ચિમ બંગાળના વન વિભાગે સુંદરવનના એક વાઘને રેડિયોકોલર કર્યુ હતું તેનો હેતું વાઘ માનવ વસાહતમાં ઘૂસી ના જાય તેવો છે. જાણવા મળે છે કે ચાર મહિનામાં લગભગ ૧૦૦ કિમીનું અંતર કાપીને વાઘ બાંગ્લાદેશની સીમામાં પ્રવેશ કરી લીધો છે. વાઘને ત્યાંના મેન્ગ્રોવ વિસ્તારમાં દેખાયો હતો આથી વન અધિકારીઓ પરેશાન જોવા મળે છે. વાઘે ૧૦૦ કિમીની લાંબી યાત્રા દરમિયાન કેટલીક નદીઓ અને ઝરણાઓ પણ પાર કર્યા હતા. જેમાં કેટલીક નદીઓ તો ૧કિમી વિસ્તાર કરતા પણ પહોળી હતી.

વન વિભાગના જણાવ્યા અનુસાર નર વાઘને ગત વર્ષ ડિસેમ્બર માં રેડિયો કોલર કરવામાં આવ્યો હતો.ત્યારથી તે બાંગ્લાદેશ તરફના વન વિસ્તારમાં જોવા મળે છે. આ વાગને બશીરહાટ રેંજમાં હરિખલી પડાવ નજીક હરિનભંગા જંગલમાંથી પકડવામાં આવ્યો હતો ત્યાર પછી તેને ૨૮ ડિસેમ્બરના રોજ સેટેલાઇટ કોલર સાથે છોડી દેવામાં આવ્યો હતો. ભારતની તરફની તેની ગતિ થોડાક દિવસો જોવા મળી હતી. તેના થોડાક દિવસ પછી બાંગ્લાદેશ તરફના સુંદરવનમાં તલપટ્ટી દ્વીપમાં પ્રવેશની શરુઆત કરી હતી. આ દરમિયાન વાઘે છોટો હરિખલી, બોરો હરિખલી અને રાય મંગલ જેવી નદીઓ પાર કરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ ૨૮ ડિસેમ્બરથી ૧૧ મે સુધીના ચાર મહિનાઓના ગાળામાં રેડિયો કોલરે સિગ્નલ ચાલું હતા

ત્યાં સુધીમાં બાંગ્લાદેશના સુંદરવનના તલપટ્ટી વિસ્તારમાં વધુ રહયો પરંતુ આ દરમિયાન તે રહેણાંક વિસ્તારોમાં ગયો ન હતો.છેલ્લે ૧૧ મે પછી કોલરે સિગ્નલ આપવાનું બંધ કર્યુ હતું. તેમ છતાં વાઘનું અસ્તિત્વ નથી રહયું એમ કહી શકાય નહી. જો કે ગેજેટમાં એક સેન્સર પણ લગાવેલું છે જો વાઘનું મુત્યુ થાય તેવા સંજોગોમાં તેની પણ ખબર પડી જાય છે. રેડિયો કોલર વાઘના ગળામાંથી નિકળી ગયું હોય એવું પણ બની શકે છે અથવા તો પાણીમાં પડીને ખરાબ થઇ ગયું હોય એવું બની શકે છે. જાન્યુઆરી ૨૦૧૭માં એક વાઘણને રેડિયો કોલર કરીને સાઉથ ૨૪ પરગણા વિસ્તારમાં છોડવામાં આવી હતી. તેને પણ ચાર મહિનામાં ૧૦૦ કિમીની સફર ખેડીને બંગાળની ખાડી સુધીની યાત્રા કરી હતી. (તસ્વીર પ્રતિકાત્મક છે)

(11:56 pm IST)