Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

હવે કોરોનાની રસી મુકાવનારને ફિક્સ્ડ ડિપોઝીટ વધુ વ્યાજ આપવાની ઓફર જાહેર કરતી બેંકો

COVID-19 સામે રસીકરણને પ્રોત્સાહન આપવા માટે બેંકે વિશેષ થાપણ યોજના શરૂ કરી

નવી દિલ્હી : રોકાણકારો માટે રાહતના સમાચાર છે કે જાહેર ક્ષેત્રની બેંકોએ કોવિડ-19 રસીનો ડોઝ મેળવનારાઓને ફિક્સ્ડ ડિપોઝિટ પર ઉંચા વ્યાજદરની જાહેરાત કરી છે. ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણકારને નિશ્ચિત સમયમાં નિશ્ચિત વળતર મળવાની ખાતરી છે, સાથે સાથે બજારના ઉતાર-ચડાવ પણ તેનાથી પ્રભાવિત નથી.

   સરકાર સંચાલિત યુકો બેંક કોવીડ -19 રસીનો ઓછામાં ઓછો એક ડોઝ મેળવનારા લોકોને 999 દિવસની ફિક્સ્ડ ડિપોઝિટ પર 30 બેસિસ પોઇન્ટ અથવા 0.30 ટકા વધુ વ્યાજ આપી રહી છે. લોકોને કોરોના રસીકરણ ડ્રાઇવ તરફ પ્રોત્સાહિત કરવા, યુકો બેંકે UCOVAXI-999 ઓફર રજૂ કરી છે. જો કે આ ઓફર ફક્ત 30 સપ્ટેમ્બર સુધી મર્યાદિત અવધિ માટે ઉપલબ્ધ છે. આ યોજના અંતર્ગત વ્યાજદર 5.30 ટકા છે. લઘુત્તમ થાપણ પાંચ હજાર રૂપિયા અને મહત્તમ થાપણ બે કરોડ રૂપિયા છે.

    સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાએ પણ લોકો માટે આવી જ ફિક્સ્ડ ડિપોઝિટની ઓફર રજૂ કરી છે. COVID-19 સામે રસીકરણને પ્રોત્સાહન આપવા માટે બેંકે વિશેષ થાપણ યોજના શરૂ કરી છે. આ યોજનાનું નામ 'Immune India Deposit Scheme' છે. આ યોજના અંતર્ગત કોરોનાની રસી લીધેલા લોકોને બેંક 0.25 ટકા વધુ વ્યાજ આપશે. યોજનાનો પાકતી મુદત 1,111 દિવસનો છે. વરિષ્ઠ નાગરિકો 0.50% વધારાના વ્યાજ માટે પાત્ર છે.

(11:44 pm IST)