Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

ઓસ્ટ્રેલિયામાં આવેલા નોર્થ ક્વિન્સલેન્ડમાં એક ઢીંગલીએ આખા શહેરની ઊંઘ ઉડાવી દીધીઃ લોકોના માનવા મુજબ જે પણ વ્યક્તિ તે ઢીંગલીની નજીક જાય છે તેના ખરાબ દિવસો શરૂ થઈ જાય છે

ક્વિન્સલેન્ડ: ઓસ્ટ્રેલિયામાં એક ઢીંગલીએ આખા શહેરની ઊંઘ ઉડાવી દીધી છે. આ ઢીંગલી એક ઝાડ પર હિંચકા ખાતી જોવા મળે છે અને પવનની લહેર સાથે ઝૂલતી રહે છે. સ્થાનિક લોકો આ ઢીંગલીને ભૂતિયા ઢીંગલી માને છે અને તેમનું કહેવું છે કે જે પણ વ્યક્તિ તે ઢીંગલીની નજીક જાય છે તેના ખરાબ દિવસો શરૂ થઈ જાય છે.

આ મામલો નોર્થ ક્વિન્સલેન્ડનો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ ઢીંગલી બદનસીબ લઈને આવી છે. તેની આસપાસ કોઈ પસાર થાય તો  તેની અસર તે વ્યક્તિ ઉપર પણ પડે છે. લોકો આ ઢીંગલી વિશે વાત કરવા જ નથી માંગતા. લોકોનું કહેવું છે કે જે તેની નજીક જાય તેમના ખરાબ દિવસો શરૂ થઈ જાય છે.

ડેઈલીમેઈલના રિપોર્ટ મુજબ અહીંના લોકોનું કહેવું છે કે અત્યાર સુધીમાં આ ઢીંગલીને જોયા બાદ અનેક લોકોનો અકસ્માત પણ થયો છે. હિનચિનબ્રુકના સાંસદ નિક ડેમેટ્ટોનું કહેવું છે કે એવું લાગે છે કે અહીં રહેનારી દરેક વ્યક્તિ આ ઢીંગલી વિશે જાણે છે, પરંતુ કોઈ પણ તેના વિશે વાત કરવા માંગતુ નથી. રિપોર્ટ મુજબ જ્યારે લોકો સાથે આ વાતચીત કરીને આ ઢીંગલી વિશે જાણકારી મેળવવાની કોશિશ કરાઈ તો કોઈ તેના પર વાત કરી નહીં. આ ઢીંગલી ક્યાંથી આવી અને ક્યારે એક પેડની ડાળ પર બનાવેલા હિંચકા પર ઝૂલવા લાગી તે કોઈ કહેતું નથી.

પ્રેમી જોડાએ બેસાડી આ ઢીંગલીને?

શહેરમાં રહેતા એક વેપારીએ કહ્યું કે આ ઢીંગલીને એક પ્રેમી જોડાએ બનાવી હતી જે શહેરમાં કઈંક રંગ ફેલાવવા માંગતા હતા. પરંતુ આ જોડા અંગે કોઈને કશું ખબર નથી. કહેવાય છે કે આ પ્રેમી જોડું હવે તો ગાયબ થઈ ગયું છે અને આ ઢીંગલી તેમની સાથે જોડાયેલી હોઈ શકે છે. જો કે સ્થાનિક પ્રશાસન તેની સચ્ચાઈ જાણવામાં લાગી છે. પરંતુ પ્રશાસન સામે સમસ્યા એ આવી છે કે કોઈ પણ અધિકારી તેની નજીક જવા ઈચ્છતો નથી. આવામાં ઢીંગલી વિશે તપાસ કેવી રીતે થશે તે એક મોટો સવાલ છે.

(5:04 pm IST)