Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

પાક.બલુચિસ્તાનમાં હિન્દુ વેપારીઓને ધમકીઃ મહિલાઓને દુકાનોમાં પ્રવેશવા ન દો

મહિલાઓને ઘરની બહાર નહીં નીકળવા દેવા લોકોને અપીલ કરતા પેમ્ફલેટ ચોંટાડાયા

બલુચિસ્તાન,તા. ૮ : પાકિસ્તાનના બલુચિસ્તાનમાં હિન્દુ વેપારીઓને ધમકી મળી રહી છે. સ્થાનિક મહિલાઓને પોતાની દુકાનોમાં પ્રવેશવા દેવી નહીં. નહીંતર પરિણામો ભોગવવાની ગર્ભિત ચેતવણી આપતી સુચનાઓ અહીં ઠેર ઠેર ચોંટાડવામાં આવી છે. આવા પેમ્ફલેટ પ દુકાનોમાં ફેકવામાં આવ્યા છે.

માત્ર હિન્દુ દુકાનદારો જ નહીં રહેવાસીઓને પણ કહેવામાં આવી રહ્યું છે. મહિલાઓને ઘરની બહાર ખાસ કરીને બજારોમાં જવા દેવી નહીં.

બલુચિસ્તાનમાં ખુદરા જિલ્લાના વિઢ વિસ્તારમાં તાજેતરમાં એક હિન્દુ વેપારીની હત્યા કરી દેવાઇ હતી. ત્યાર બાદ અહીં પેમ્ફલેટ વહેંચામાં આવી રહ્યા છે. જેમાં ધમકીભર્યા સ્વરમાં કહેવમાં આવ્યું છે કે

'તમામ પ્રજાને અરજ કરવામાં આવે છે કે મહિલાઓને બિનજરૂરી ઘરની બહાર નીકળતા રોકવામાં આવે. ખાસર કરીને મહિલાઓને બજારમાં જતા અટકાવવામાં આવે. કારણ કે તેના કારણે બજારના માહોલ પર ખરાબ અસર પડી રહી છે. ખાસ કરીને હિન્દુ દુકાનદારોની દુકાનોમાં મહિલાઓ વધુ જોવા મળે છે અને હિન્દુઓને પણ અપીલ છે કે મહિલાઓને પોતાની દુકાનોમાં બિલકુલ પ્રવેશવા ન દે. જો એવું કરાશે તો તેઓ પોતે જવાબદ હશે. તેથી આ વાત પર ધ્યાન આપે નહીંતર પછી ફરિયાદ પણ ન કરતા, જો આના માટે કંઇક કરવું પડશે, તો અમે કરીશું' કારવાં સૈફુલ્લાહ

અત્યાર સુધી ખબર પડી નથી કે આ પેમ્ફ્લેટ કયા સંગઠને વહેંચ્યા છે. કારણ કે કારવાં સૈફુલ્લાહ નામના કોઇ જૂથ અંગે પહેલી વખત સંભળાયું છે. ઉર્દૂ ભાષાના આ પેમ્ફ્લેટ દ્યણી જગ્યાએ શાઇન બોર્ડ પર ચોંટાડવામાં આવ્યા છે. કેટલીક દુકાનોમાં પણ ફેંકવામાં આવ્યા છે. આ ઘટના પછી અહીંના હિન્દુ વેપારીઓમાં ડરનો માહોલ છે. તેમનું કહેવું છે કે અમે કોઇને નુકસાન પહોંચાડ્યું નથી. પછી શા માટે અમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

પેમ્ફ્લેટ પર કોઇ સંગઠનનું નામ નથી

આ અંગે ખાનગી મેડિકલ સ્ટોર્સ એસોસિએશનના મહામંત્રી મોહમ્મદ અસલમ શેખે જણાવ્યું કે એક શાઇન બોર્ડ પર તેમણે આ પેમ્ફલેટ જોયું. તેમાં હસ્તલિખિત ધમકી છે અને નીચે તલવાર દોરી તેના પર કારવાં સૈફુલ્લાહ લખેલું છે. પરંતુ તેના પર કોઇ સંગઠનનું નામ નથી.

જો કે સ્થાનિક લોકોનું કહેવુ છે કે મહિલાઓ એકલી બજારમાં જાય, તેવું ભાગ્યે જ બને છે. કારણ કે મોટાભાગે મહિલાઓ તેમના પતિની સાથે દુકાનમાં આવે છે. આ વિસ્તારમાં હિન્દુ સમુદાયના લોકો ભાગલાં પહેલાંથી રહે છે. ૨૦૧૧ બાદ અહીં અશાંતિની ઘટનામાં વધારો થયો છે.

ધમકીભર્યા પત્રોનો આ બીજો મામલો છે. અહી ઘણી વખતે કટ્ટરપંથી સંગઠન હિન્દુઓ સહિત મુસ્લિમોને પણ કોઇના કોઇ બહાને હેરાન કરતા હોવાનું મીડિયાના અહેવાલમાં જણાય છે.

(3:42 pm IST)