Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

મ્યુકોરમાંથી સાજા થવા ૧.૪૮ કરોડ ખર્ચ્યાઃ એક આંખ ગુમાવી

નાગપુરમાં રહેતા નવીન પોલને સપ્ટેમ્બરમાં કોરોના થયા બાદ બીજા મહિને થયું હતું ફંગલ ઈન્ફેકશનઃ એક પછી એક છ હોસ્પિટલોમાં સારવાર લીધી, ડોકટર્સને બતાવ્યું પરંતુ કોઈ રોગ પકડી ના શકયું: મુંબઈમાં હોસ્પિટલનું બિલ ૧૯ લાખે પહોંચતા ડિસ્ચાર્જ લીધો, આખરે નાગપુરમાં આંખ કઢાવી

નાગપુર, તા.૮: કોરોના જાણે ઓછો હતો તેમ તેના કેટલાક દર્દીઓ તેમાંથી તો રિકવર થઈ ગયા, પરંતુ તેની નિશાની કદાચ તેમના ચહેરા પરથી કયારેય નહીં જાય. મ્યુકરમાઈકોસિસ અને બ્લેક ફંગસને કારણે આંખ કે ચહેરાનો કોઈ ભાગ ગુમાવનારા દર્દીઓની સ્થિતિ જાણવા ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ એક સમયે દેશમાં સૌથી વધુ કેસ ધરાવતા નાગપુર શહેરના કેટલાક પેશન્ટ્સ સાથે વાત કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, કેટલાક પેશન્ટ રિકન્સ્ટ્રકિટવ સર્જરી કરાવી ફરી સામાન્ય દેખાવાની આશા જીવંત રાખીને બેઠા છે, પરંતુ જેમણે આંખ ગુમાવી છે તેમને આર્ટિફિશિયલ આંખથી જ કદાચ આખી જિંદગી કાઢવી પડશે.

આવો જ એક કિસ્સો છે નવીન પોલનો. જેઓ કદાચ વિદર્ભના જ નહીં, પરંતુ સમગ્ર મધ્ય ભારતના કદાચ પહેલા પેશન્ટ હતા, જેમને કોરોનામાંથી સાજા થયા બાદ મ્યુકરમાઈકોસિસ થયો હતો. સરકારી નોકર એવા પોલને છેક સપ્ટેમ્બર ૨૦૨૦માં કોરોના થયો હતો, અને તેના થોડા જ સમયમાં તેમને આંખ અને દાંતમાં સમસ્યા શરુ થઈ હતી. તે વખતે તો બ્લેક ફંગસની ડોકટરોને પણ ખાસ માહિતી નહોતી. ઓકટોબર મહિનાથી જ પોલમાં તેના લક્ષણ દેખાવા લાગ્યા હતા.

આખરે છેક ફેબ્રુઆરીમાં પોલની સર્જરી થઈ અને તેમની એક આંખ કાઢવામાં આવી. તેઓ પોતાની ટ્રીટમેન્ટ પાછળ અત્યારસુધી ૧.૪૮ કરોડ રુપિયા ખર્ચી ચૂકયા છે. તેમની ડાબી આંખ કાઢવામાં આવી તે પહેલા તેમણે છ હોસ્પિટલમાં સારવાર લીધી હતી અને તેમના પર ૧૩ સર્જિકલ પ્રોસેજર થઈ હતી. તેમના પત્ની રેલવેના કર્મચારી હોવાથી એક કરોડ રુપિયાની મદદ તેમને ત્યાંથી મળી ગઈ, જયારે બાકીના ૪૮ લાખની વ્યવસ્થા તેમને જાતે જ કરવી પડી.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા પોલે જણાવ્યું હતું કે, તેઓ આ સ્થિતિનો સામનો કરવા તૈયાર હતા. તેમણે જ ડોકટરોને કહ્યું હતું કે જો તેમની જિંદગી બચતી હોય તો એક આંખ કઢાવવામાં તેમને વાંધો નથી. તેમને સપ્ટેમ્બરમાં કોરોના થયો હતો, અને થોડા દિવસ હોસ્પિટલમાં રહી તે ઘરે આવી ગયા હતા. જોકે, થોડા સમયમાં તેમને આંખ અને દાંતમાં સમસ્યા શરુ થઈ હતી. તેમને પહેલા તો નાગપુરની એક ન્યુરોલોજી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યારબાદ તેમને હૈદરાબાદની આંખની હોસ્પિટલમાં મોકલાયા હતા. બંને હોસ્પિટલોમાં થોડો સમય રહ્યા બાદ તેમને નાગપુરની હોસ્પિટલમાં મોકલાયા. ત્યાંથી તેમને મુંબઈની એક કોર્પોરેટ હોસ્પિટલમાં જવા માટે કહેવાયું.

મુંબઈની હોસ્પિટલનું બિલ ૧૯ લાખ રુપિયા સુધી પહોંચી ગયા બાદ પૈસા ના હોવાથી પોલ ત્યાંથી ડિસ્ચાર્જ લઈને નાગપુર આવી ગયા, અને આખરે ત્યાંની એક હોસ્પિટલમાં તેમના પર સર્જરી કરી ડાબી આંખ કાઢવામાં આવી. પોલ ખુશ છે કે તેમને ભલે આંખ ગુમાવવી પડી, પરંતુ તેમની જિંદગી બચી ગઈ. સર્જરી બાદ તેમની જયાં આંખ હતી ત્યાં એક મોટો છેદ બની ગયો છે. તેઓ કયારેક જમતા હોય ત્યારે ખોરાક ત્યાં જતો રહે છે. જોકે, થોડા સમય બાદ તેમને ત્યાં નકલી આંખ લગાવવામાં આવશે તેમ ડોકટરનું કહેવું છે.મ્યુકોર પેશન્ટ્સની સારવાર કરનારા આંખના સર્જન ડો. આશિષ કાંબલેનું કહેવું છે કે, તે વખતે મ્યુકરમાઈકોસિસ વિશે કોઈ ખાસ જાણતું જ નહોતું. ડોકટર્સને પણ તેનો અનુભવ નહોતો. આ એક પ્રકારની દુર્લભ બીમારી છે, જે પોતાની રોગપ્રતિકારક શકિત ગુમાવી ચૂકેલા દર્દીમાં જોવા મળતી હોય છે. શરુઆતમાં ડોકટર્સ પણ નહોતા સમજી શકયા કે આ એક ફંગસ છે, અને તેઓ પોતાનું જે કોઈ બેસ્ટ જજમેન્ટ હોય તે પ્રમાણે દર્દીની સારવાર કરતા હતા.

(3:42 pm IST)