Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

ભીષણ ગરમીમાં ૭ કિ.મી ચાલી બાળકીઃ તરસથી તડપી મોત

રાજસ્થાનમાં પોતાની નાની સાથે ચાલતા ચાલતા પાણી ન મળતા પાંચ વર્ષની બાળકીનું મોત થઈ ગયુંવૃદ્ઘા સાથે પાણીની બોટલ પણ હતી નહીઃ એક રાહદારીએ આ બંનેને જોયા

જયપુર, તા.૮: રાજસ્થાનમાં પોતાની નાની સાથે ચાલતા ચાલતા પાણી ન મળતા પાંચ વર્ષની બાળકીનું મોત થઈ ગયું છે. આ કરૂણ દ્યટના રવિવારે બની હતી. જાણકારી અનુસાર રાણીવાડા જિલ્લાના ડુંગરીમાં રહેલી વૃદ્ઘ મહિલા સુખીદેવીનું રાયપુરમાં પિયર છે. તે પોતાની પાંચ વર્ષની દોહિત્રી સાથે પિયર ગયા હતા. રવિવારે ૬ જૂનના રોજ ઠડું વાતાવરણ જોઈને તે પોતાના બહેનના ઘરે પાછા જવા માટે ચાલતા ચાલતા જવા માટે નીકળ્યા હતા. તેમણે દસ કિલોમીટર દૂર જવાનું હતું, પણ બપોરના સમયે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સખત ગરમી શરૂ થઈ હતી. જાણકારી અનુસાર વૃદ્ઘા સાથે પાણીની બોટલ પણ હતી નહીં અને તે જે માર્ગે ચાલતા હતા ત્યાં માત્ર રેતી જ હતી. આગ ઝરતી ગરમી અને સાથે પાણી ના હોવાને કારણે તે બંનેને ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ હતી. તેથી બંને બેહોશ થઈને પડી ગયા હતા. ઘણી વાર પછી ત્યાંથી પસાર થતાં એક રાહદારીએ આ બંનેને  જોયા અને ત્યાંનાં સરપંચ કૃષ્ણકુમારને ફોન કરીને બોલાવવામાં આવ્યા. ત્યારબાદ પોલીસ પણ ત્યાં આવી પહોંચી, પણ ત્યાં સુધીમાં બાળકી મૃત્યુ પામી હતી. પોલીસે તે વૃદ્ઘાને પાણી પીવડાવ્યું અને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.

વૃદ્ઘાએ સ્વસ્થ થતાં જણાવ્યું કે વધુ પડતી ગરમીને કારણે બંને બેહોશ થઈ ગયા હતા. તેમને શું કરવું એ સૂઝતું ન હતું, પણ થોડા સમય પછી વરસાદ શરૂ થયો હતો તેથી તેમને રાહત મળી હતી, જેનાથી તેમનો જીવ બચી ગયો પણ બાળકી બચી ના શકી.

(3:41 pm IST)