Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

યુપીઃ હવે ફકત રાત્રિ કરફયૂ લાગુ રહેશે

કોરોના કરફયુ હટાવાયો

લખનૌ, તા.૮: કોરોનાના ઘટતા કેસ વચ્ચે ઉત્ત્।ર પ્રદેશથી એક રાહતના સમાચાર આવ્યા છે. પ્રદેશના તમામ ૭૫ જિલ્લાઓમાં હવે કોરોના કરફ્યૂ ખતમ કરવાની જાહેરાત કરવામાં આવી છે. બુધવારથી પ્રદેશમાં ફકત નાઈટ કરફ્યૂ લાગુ રહેશે.

અધિક મુખ્ય સચિવ (સૂચના) નવનીત સહેગલે જણાવ્યું કે બુધવારે નવ જૂનથી સમગ્ર પ્રદેશના તમામ ૭૫ જિલ્લાઓમાં ફકત સાંજે સાતથી સવારે સાત વાગ્યા સુધી નાઈટ કરફ્યૂ રહેશે. તેમણે કહ્યું કે હવે પ્રદેશના તમામ જિલ્લાઓ કોરોના કરફ્યૂથી મુકત થયા છે. તેમણે જણાવ્યું કે આ નિર્ણય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મંગળવારે થયેલી એક ઉચ્ચસ્તરની બેઠકમાં લેવાયો. સહેગલે જણાવ્યું કે પ્રદેશના તમામ જિલ્લાઓમાં કોરોના વાયરસના એકિટવ કેસમાં દ્યટાડો થયો છે અને હવે પ્રદેશમાં કુલ ૧૪ હજાર લોકો હાલ સારવાર હેઠળ છે.

સહેગલે જણાવ્યું કે પ્રદેશમાં હવે ૧૪ હજારથી પણ ઓછા કોરોના કેસ રહ્યા છે અને તમામ ૭૫ જિલ્લાઓમાં ૬૦૦થી ઓછા કેસ છે. આ ઉપરાંત છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ફકત ૭૯૭ કેસ નોંધાયા છે. અત્રે જણાવવાનું કે આ અગાઉ ચાર જિલ્લાને બાદ કરતા સમગ્ર પ્રદેશમાંથી કરફ્યૂ હટાવવાનો નિર્ણય લેવાયો હતો. આ ચાર જિલ્લામાં લખનૌ, મેરઠ, સહારનપુર અને ગોરખપુર સામેલ હતા.

(3:40 pm IST)