Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

કાર્ટુનીસ્ટને મદ્રાસ હાઇકોર્ટે આપી રાહત, કહયું સીસ્ટમની ખામીઓ ઉજાગર કરવી ખોટી નથી

તત્કાલીન મુખ્યમંત્રી, જીલ્લા કલેકટર અને પોલીસ અધિકારીને વસ્ત્રહીન બતાવી ચલણી નોટોથી પોતાના ગુપ્ત અંગો ઢાંકતા દર્શાવાયા હતા

નવી દિલ્હી, તા., ૮: મદ્રાસ હાઇકોર્ટે ટીપ્પણી કરી કે અદાલતો લોકોને નૈતિકતા શીખવી શકે નહી. કોટે વિચાર અને અભિવ્યકિતની સ્વતંત્રતાના અધિકારને બરકરાર રાખતા ચેન્નાઇના એક કાર્ટુનીસ્ટ વિરૂધ્ધ અપરાધીક માનહાનીનો દાવો રદ કરી દીધો હતો. ર૦૧૭માં સંબંધીક કાર્ટુન વિવાદાસ્પદ બની ગયું હતું. જયારે તામીલનાડુ સરકારના વરિષ્ટ અધિકારીઓને તેમાં કથીત રૂપથી 'અશ્લીલ'  ચિત્રીત કર્યાનું દેખાયું હતું.

ન્યાયમુર્તિ જી.ઇલંગોવન એ ફેંસલામાં કહયું કે કાર્ટુનને અલગ-અલગ લોકો દ્વારા  તરીકોથી જોવાય છે. પરંતુ એ જોવામાં આવ્યું છે કે લોકતાંત્રીક દેશમાં વિચાર, અભિવ્યકિત અને ભાષણની સ્વતંત્રતા એ પાયો છે. જેના પર લોકતંત્ર જીવીત રહે છે. તેના વગર બની શકે છે કે લોકતંત્ર જ બચે નહી. અદાલતે કહયું કે કોર્ટો લોકોને નૈતિકતા  ન શીખવી શકે. આ સમાજે સ્વયં વિકસીત કરવાની હોય તેનું પાલન કરવાનું હોય. ઉલ્લેખનીય છે કે આ મામલો ઓકટોબર-ર૦૧૭માં તામીલનાડુના તીરૂનેલવેલી જીલ્લામાં એક આત્મદાહની ઘટના સાથે સંકળાયેલો છે. એક રોજમદાર મજદુરના પરીવારના ૪ લોકોએ વ્યાજના ચક્કરમાં પૈસા ન ચુકવી શકતા જીલ્લા કલેકટર કાર્યાલય સામે પોતાને સળગાવી નાખ્યા હતા. આ લોકોએ કર્જ સ્થાનીક સાહુકાર પાસેથી લીધું હતું. પરીવાર દ્વારા કેટલી ફરીયાદો કર્યા બાદ પણ જીલ્લા પ્રશાસન અને વ્યાજખોર શાહુકાર સામે કાર્યવાહી થઇ નહોતી અને અંતે પરીવારે આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાના વિરૂધ્ધમાં કાર્ટુનીસ્ટ જી બાલાએ એક કાર્ટુન બનાવ્યું હતું જેમાં તામીલનાડુના તત્કાલીન મુખ્યમંત્રી ઇ.પલાનીસ્વામી, જીલ્લા કલેકટર અને સ્થાનીક ઉચ્ચ પોલીસ અધિકારીને કપડા પહેર્યા વગરના દર્શાવી કટાક્ષ કર્યો હતો. કાર્ટુનમાં દેખાડવામાં આવ્યું હતું કે આ લોકો પોતાના ન પ્રદર્શીત કરી શકાય તેવા ભાગોને ચલણી નોટોથી ઢાંકી રહયા છે અને પોતાના સામે બાળકને જમીન પર સળગતો જોઇ રહયા છે. બાલ મુરૂગનને ૩૦ ઓકટોબર-ર૦૧૭એ પોતાના ફેસબુક પર કાર્ટુન પોસ્ટ કર્યુ હતું. જીલ્લા કલેકટરની ફરીયાદના આધાર ઉપર 'તથ્યોના ઉચીત સત્યો' જાણ્યા વગર સરકારી અધિકારીઓ વિરૂધ્ધ અપમાનજનક કાર્ટુન બનાવવાના આરોપ સાથે ફરીયાદ કરવામાં આવી હતી અને ભારતીય દંડ સંહીતાની ધારા પ૦૧ અને સુચના અધિનિયમની ધારા અંતર્ગત આરોપ લગાવવામાં આવ્યો હતો. આ પછી આરોપીએ પોતાની સામેની ફરીયાદ રદ કરવા અનુરોધ અદાલતમાં કર્યો હતો. અદાલતે માન્યું કે કાર્ટુનીસ્ટના ઇરાદાને ખોટો ન માની શકાય, કારણ કે તેઓ અધિકારીઓની ઉદાસીનતા પર પ્રકાશ પાડવા માંગતા હતા. અદાલતનું કહેવું હતું કે કાર્ટુનીસ્ટનો ઇરાદો અધિકારીઓને બદનામ કરવાનો નહી પરંતુ ઘટનામાં છુપાયેલી ગંભીરતાને ઉજાગર કરવાનો હતો.

(3:07 pm IST)