Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

કોરોનાની બીજી લહેર વચ્ચે ઉદ્યોગો સામે કાચા માલની ઉંચી પડતર સૌથી મોટો પડકાર

૬૪ ટકા ઉદ્યોગકારોએ ધંધા માટે પ્રવાહી, રોકડની ઉપલબ્ધતાને પણ સમસ્યા ગણાવી

નવી દિલ્હી, તા., ૮: ઉદ્યોગકારોએ એક સર્વેમાં કહયું કે કોરોનાની બીજી લહેર વચ્ચે કાચા માલની વધુ કિંમતો તેમના માટે સૌથી મોટો પડકાર છે. તેમનું કહેવું છે કે આર્થીક ગતી-વિધીઓ વધારવા માટે વ્યાપક પ્રોત્સાહન આપવાની જરૂર છે. આ સમયની જરૂરીયાત છે. ઉદ્યોગોએ એ પણ કહયું કે કર્મચારીઓને રસી આપવી તે તેમની પ્રમુખ રણનીતી છે. દેશના અગ્રગણ્ય ઉદ્યોગ મંડલ પીએચડી ચેમ્બર દ્વારા એપ્રિલ અને મે-ર૦ર૧ વચ્ચે કરવામાં આવેલા ત્વરીત સર્વેક્ષણમાં આ મુદ્દો સામે આવ્યો હતો. સુક્ષ્મ, લઘુ, મધ્યમ અને મોટા ઉદ્યોગ પ્રતિનિધિઓની પ્રતિક્રિયાઓ જાણવામાં આવી હતી.

સર્વેક્ષણ ૩૪ ઔદ્યોગીક ક્ષેત્રોમાં કરવામાં આવ્યો હતો. સર્વેક્ષણમાં ભાગ લેવાવાળા ઉદ્યમીઓમાંથી ૭૩ ટકાએ કહયું કે કાચા માલની ઉંચી કિંમતો તેમના માટે સૌથી મોટો પડકાર છે. ૭૩ ટકા ઉદ્યોગકારોએ વર્તમાન સ્થિતિના સામના માટે કર્મચારીઓને રસીના ડોઝ આપવા ઉપર જ ભાર મુકયો હતો. ૬૪ ટકાએ વેચાણ કારોબાર વધારવા અને ટ્રાન્સપોર્ટેશનને વધારવા ઉપર પણ ભાર આપ્યો હતો. ૬૪ ટકા ઉદ્યોગકારોએ કહયું કે ઔદ્યોગીક ઉત્પાદનો અને સામાનોના પરીચાલનનો ખર્ચ પણ ઘટાડવો જોઇએ. ૪૭ ટકા લોકોએ સરકારે રાહત ઉપાયો માટે કરેલી કામગીરી માટે ૧૦ માંથી ૭ માર્કસ આપ્યા જયારે ૪ર ટકાએ ટીકાકરણ કાર્યક્રમને ૧૦ માંથી ૬ માર્કસ આપ્યા હતા. ઉદ્યોગ જગતનું માનવું છે કે આ સાથે કેટલીક અન્ય તકલીફો પણ તેમની સામે છે. ૬૪ ટકા લોકોએ કહયું કે કેશ ફલોની ઉપલબ્ધતાની સમસ્યા પણ મોટી છે.

(3:07 pm IST)