Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

કેન્દ્રની નવી રસીકરણ નીતિ

રાજ્યોને વસ્તી - દર્દીઓના હિસાબથી મળશે વેકસીન : બીજો ડોઝ લેવાનો હોય તેમને અગ્રતા

ખાનગી હોસ્પિટલોમાં રસી લેવા અંગેનો ભાવ કંપની નક્કી કરશે : વેકસીનની બરબાદી સહન નહિ થાય : અગ્રતા ૪૫થી ઉપરના લોકોને : અંતમાં ૧૮થી ઉપરના લોકો

નવી દિલ્હી તા. ૭ : કોરોના રસી ખરીદીથી રાજ્યોને રાહત આપવાની સાથે જ કેન્દ્ર સરકારે હવે વેકસીનેશન પોલિસી અંગે ગાઇડલાઇન્સ બહાર પાડી છે. તેના હેઠળ કોરોના રસીની ફાળવણી અંગે અન્ય કેટલીક વસ્તુઓ અંગે સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી છે. નવી ગાઇડલાઇન્સ મુજબ રાજ્યોએ તેની વસ્તી, કોરોના સંક્રમણના પ્રસાર અને વેકસીનેશનની ગતિ અંગે રસીની ફાળવણી કરવામાં આવશે. આ ઉપરાંત એ પણ કહેવામાં આવ્યું છે કે રસીનું વેડફાવું એ પણ રસીની ફાળવણીમાં અસર કરે છે. કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી નવી ગાઇડલાઇન ૨૧ જુનથી લાગુ કરવામાં આવશે.

સરકાર દ્વારા જાહેર ગાઇડલાઇન્સમાં કહેવામાં આવ્યું છે કે હોસ્પિટલોમાં લાગતી કોરોના રસીના ભાવ કંપનીઓ તરફથી નક્કી કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યોને છૂટ આપવામાં આવી છે કે ૧૮ વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોના રસીકરણના પ્રાયોરીટી ગ્રુપ તેઓ તેમના મુજબ નક્કી કરી શકે છે. નવી ગાઇડલાઇન્સ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યો માટે અપાતા રસીની એડવાન્સમાં જાણકારી આપવામાં આવશે ત્યારબાદ રાજ્યોને જિલ્લા પ્રશાસનને આ જાણકારી આપવી પડશે એટલું જ નહિ કયા જિલ્લાને કેટલી રસી ફાળવવામાં આવી છે તેની માહિતી પણ આપવી પડશે. સરકારે કહ્યું છે કે જિલ્લા પ્રશાસનને રસીની ઉપલબ્ધતા વિશે સામાન્ય લોકો સુધી જાણકારી પહોંચાડવી પડશે.

(2:57 pm IST)