Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

સાચો પ્રકૃતિ પ્રેમીઃ એક પણ ડાળી કાપ્યા વગર બનાવ્યું ચાર માળનું ટ્રી હાઉસઃ રિમોર્ટથી ચાલતી સીડી સહિતની ફેસિલિટી

જયપુરઃ આજના સમયમાં માણસની ફકત ત્રણ જરૂરિયાત છે રોટી, કપડાં અને મકાન. આ ત્રણ વસ્તુ માટે માણસ આખી જિંદગી મહેનત કરે છે. મોટાભાગના લોકોને પોતાનું મકાન બીજાથી અલગ હોય એવી ઈચ્છા હોય છે. આવું જ કંઈક યુનિક મકાન એક એન્જિનિયરે બનાવ્યું છે. આ ડ્રીમ હાઉસ ૮૭ વર્ષ જૂના એક કેરીના ઝાડ પર બનાવવામાં આવ્યું છે. ચાર માળનું આ મકાન જોઈને જ લોકો મોંઢામાં આંગળા નાખી જાય છે.

 રાજસ્થાનના લેક સિટી ગણાતા ઉદયપુરમાં કે પી સિંહ નામના આઈઆઈટી પાસ એન્જિનિયરે પોતાનું આ ડ્રીમ હાઉસ બનાવ્યું છે. ૮૭ વર્ષ જૂના આંબાના ઝાડ પર બનાવેલા આ ચાર માળના મકાનમાં તમામ સાધન-સુવિધા હાજર છે. પૂરી રીતે  પ્રકૃતિને જરૂરિયાતોને ધ્યાન રાખીને આ ઘરની ડિઝાઇન બનાવવામાં આવી છે.

મકાન માલિક કે પી સિંહની ઈચ્છા હતી કે તેમનું ઘર વૃક્ષોની પાસે હોય, જ્યાં શુદ્ધ હવા હોય. તે લાંબા સમયથી આ ઘરની કલ્પના કરી રહ્યા હતા. અને ૨૦૦૦માં તેમણે આ ટ્રી હાઉસને બનાવાની યોજના તૈયાર કરી હતી.

કે પી સિંહ આ મકાન બનાવવા માટે વૃક્ષની એક ડાળી પણ નથી કાપી નથી. તેમણે પર્યાવરણનું સંરક્ષણ કરતા આ સુંદર ઘર બનાવ્યું છે.

આ ટ્રી હાઉસ જમીનથી લગભગ ૯ ફિટની ઊંચાઇ પર છે. અને તેની પૂરી હાઇટ ૩૯ ફીટ છે. અને ઘરમાં ઉપર ચડવા માટે જે સીડી બનાવી છે તે રિમોટથી ચાલે છે.

આ ઘરની ખાસ વાત એ છે કે તેમાં ક્યાંય લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ઘર બનાવવા માટે સ્ટીલનું સ્ટ્રકચર, સેલ્યૂલર શીટ અને ફાઇબરનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે.

 મકાન બનાવવામાં વૃક્ષની ડાળનો એ રીતે ઉપયોગ કર્યો છે કે જેથી ડાયનિંગ અને ડ્રાઇંગ રૂમમાં વૃક્ષની ડાળીથી સોફા અને ટેબલ બનાવી શકાય.

પોતાનું ડ્રીમ સાચું થવાથી કે પી સિંહ આજે ખૂબ ખુશ છે. તેમના આ ઘરમાં બેડરૂમ, બાથરૂમ, કિચન સહિતની તમામ સુવિધા ઉપલબ્ધ છે.જે લોકો પણ અહીંથી પસાર થાય અને મકાન પર એક વાર નજર પડે તો તે જોતા જ રહી જાય છે.

(1:00 pm IST)