Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

પાંચ રાજયોમાં કોંગ્રેસ-ભાજપના નેતાઓ વચ્ચે 'ટાંટીયા ખેંચ'નું સંક્રમણ વધ્યું

ઉતરપ્રદેશ, ઉતરાખંડ અને પંજાબમાં આવતા વર્ષે ચુંટણીઓ યોજાવાની છેઃ રાજસ્થાનમાં પણ સતા સંઘર્ષની જમીન તૈયાર થઇ રહી છે

નવી દિલ્હી, તા., ૭: દેશમાં કોરોનાના મામલાઓ ઘટવાની સાથે જ નેતાઓનું રાજકીય દંગલ ફરી શરૂ થઇ ગયું છે. રાજસ્થાન, ઉતરાખંડ, ઉતરપ્રદેશ, કર્ણાટક, પંજાબ અને પશ્ચિમ બંગાળમાં રાજકીય ગરમીનો પારો ખુબ ઉંચે ચડી ગયો છે.  અંદરો-અંદરની ખેંચતાણ વચ્ચે પશ્ચિમ બંગાળને છોડી બાકી પ રાજયોમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ કોરોના સામે લડવાને બદલે એક-બીજાને પાડી દેવામાં રચ્યા-પચ્યા છે. આ રાજયો પૈકી ઉતરપ્રદેશ, ઉતરાખંડ અને પંજાબમાં આવતા વર્ષે વિધાનસભાની ચુંટણીઓ યોજાવાની છે.

કર્ણાટકઃ બંન્ને પાર્ટીઓમાં બગાવતી સુર

સીએમ બી.એસ.યદુરપ્પાથી નારાજ થઇને સતારૂઢ ભાજપના કેટલાક મંત્રીઓ અને ધારાસભ્યો તેમને બદલવાની માંગ કરી રહયા છે. યદુરપ્પાએ રવિવારે એટલે સુધી કહી દીધું કે જો કેન્દ્રનું નેતૃત્વ તેમની પાસેથી રાજીનામુ માંગશે તો તેઓ તત્કાલ આપી દેશે. બીજી બાજુ કોંગ્રેસના નેતૃત્વને લઇને પુર્વ સીએમ સિધ્ધારમૈયા અને પ્રદેશ અધ્યક્ષ ડી.કે.શિવકુમાર વચ્ચે ઠંડુ યુધ્ધ ચાલી રહયું છે. સિધ્ધારમૈયાએ ર૦ર૩ની ચુંટણીના લગભગ એક વર્ષ પહેલા તેમને સીએમ પદના ઉમેદવાર ઘોષીત કરવાની માંગ કરી છે.

ઉતરપ્રદેશઃ ભાજપમાં  ગરમાયુ રાજકારણ

યુપીમાં અસંતોષ ખતમ કરવા માટે યોગી સરકારના મંત્રીમંડળ વિસ્તાર અને ફેરબદલીની ચર્ચાઓ થઇ રહી છે. ભાજપના સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ અને પ્રદેશ પ્રભારી રાધામોહનસિંહે કેટલાય મંત્રીઓ અને વિધાયકો સાથે ચર્ચાઓ કરી છે. રવિવારે રાધામોહન એ રાજયપાલની મુલાકાત પણ લીધી હતી.

પંજાબઃ નેતૃત્વ માટે રસ્સાકસી

પંજાબમાં વિધાનસભાની ચુંટણીઓ પહેલા કોંગ્રેસના રપ થી વધુ ધારાસભ્યો અને મંત્રીઓએ મુખ્યમંત્રી અમરીન્દરસિંહ વિરૂધ્ધ તાલ આલાપ્યા છે. કોંગ્રેસ નેતૃત્વ આ વચ્ચે ૩ સદસ્યોની કમીટી બનાવવા  સિવાય કાંઇ કરી શકી નથી.

બંગાળઃ ચુનાવ બાદ ફરી આરોપ-પ્રત્યારોપણ

તૃણમુલ કોંગ્રેસને બંગાળમાં ફરી સતા મળ્યાને હજુ એક મહીનો જ થયો છે. પરંતુ ભાજપ નેતાઓ ઉપર હુમલાને લઇને  તો કયારેક કોરોના વેકસીનને લઇને રાજકારણ ગરમ થતુ રહયું છે. રાજયપાલ ધનખડ અને સીએમ મમતા બેનર્જી વચ્ચે આરોપ-પ્રત્યારોપણો અટકી નથી રહયા.

રાજસ્થાનઃ સતા સંઘર્ષની જમીન તૈયાર થઇ રહી છે

રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારના મંત્રીઓને વિધાયકોની ખેંચતાણ ફરી સપાટી ઉપર આવી છે. હાલમાં જ દિગ્ગજ મંત્રી શાંતી ધારીવાલ અને પ્રદેશ અધ્યક્ષ ગોવિંદસિંહ વચ્ચે કેબીનેટ બેઠકમાં જ ગરમા ગરમી થઇ ગઇ હતી. આ પછી સચીન પાયલોટ જુથના વિધાયક વેદ પ્રકાશ સોલંકીએ અશોક ગેહલોત સરકાર ઉપર દલીત વિરોધી હોવાનો આરોપ લગાવી દીધો હતો. આના જવાબમાં પાયલોટ જુથના જ વિધાયક પી.આર.મીણાએ મુખ્યમંત્રી અશોક ગેહલોતના વખાણ કરતું બ્યાન જારી કરી દીધું હતું. આને લઇને એક વખત ફરી રાજસ્થાનમાં સતા સંગ્રામની જમીન તૈયાર થતી દેખાઇ રહી છે. આ વચ્ચે ભાજપના પુર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે અને પ્રદેશ અધ્યક્ષ સતીષ પુનીયા વચ્ચે હજી સુધી સંવાદ સાધી શકાતો દેખાઇ  નથી રહયો.

(12:02 pm IST)