Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

બેંકોપર માનદંડોના ઉલ્લંઘન માટે કરાઈ કાર્યવાહી

PNB અને BOIને RBIએ ૬ કરોડનો દંડ ફટકાર્યો

નવી દિલ્હી તા. ૮ : આરબીઆઇએ બેંક ઓફ ઈન્ડિયા અને પંજાબ નેશનલ બેંક પર કુલ ૬ કરોડનો દંડ ફટકાર્યો છે. આ બેંકોને ધોરણોનું ઉલ્લંઘન કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉલ્લંઘનમાંથી એક 'વર્ગીકરણ અને છેતરપિંડીના અહેવાલ' ના નિયમને લગતું છે. ૪ કરોડનો દંડ બેંક ઓફ ઈન્ડિયા અને ૨ કરોડ રૂપિયા પંજાબ નેશનલ બેંક પર લાગુ કરવામાં આવ્યો છે.આરબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ૩૧ માર્ચ, ૨૦૧૯ ના રોજ બેંક ઓફ ઇન્ડિયાના સુપરવાઇઝરી વેલ્યુએશન માટે કાયદાકીય નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. બેંકે સમીક્ષા હાથ ધરી છે અને એકાઉન્ટમાં છેતરપિંડી શોધવા માટે ફ્રોડ મોનિટરિંગ રિપોર્ટ સબમિટ કર્યો છે. એક અલગ નિવેદનમાં આરબીઆઈએ કહ્યું કે પંજાબ નેશનલ બેંકને નાણાકીય સ્થિતિના સંદર્ભમાં કાયદાકીય નિરીક્ષણ કરવામાં આવ્યું છે.

સેન્ટ્રલ બેંકે કહ્યું કે જોખમ મૂલ્યાંકન અહેવાલમાં તપાસ કરતાં જાણવા મળ્યું છે કે આ કેસોમાં નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી. બંને કેસમાં જાહેર ક્ષેત્રની બેંકોને શો કોઝ નોટિસ મોકલી હતી. તેમને પૂછવામાં આવ્યું હતું કે સૂચનોનું પાલન ન કરવા બદલ તેના પર દંડ શા માટે લાદવો જોઈએ નહીં. આરબીઆઈનું કહેવું છે કે નિયમનકારી પાલનના અભાવ માટે બંને બેન્કોને દંડ ફટકારવામાં આવ્યો છે.

અગાઉ આરબીઆઈએ આઈસીઆઈસીઆઈ બેંક પર દંડ ફટકાર્યો હતો. આમાં આઈસીઆઈસીઆઈ બેંક પર પણ નિયમો તોડવાનો આરોપ મૂકાયો હતો. દંડ લાદતા પહેલા આરબીઆઈએ બેંકને નોટિસ ફટકારી હતી.

(12:01 pm IST)