Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

માત્ર વેકસીન લેવાથી કંઈ નહીં થાય : માસ્ક-સોશિયલ ડિસ્ટન્સિંગ પણ છે જરૂરી

રસીકરણ થઈ જાય એટલે બિન્દાસ્ત થઈ જવાની જરૂર નથી, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ છોડી દેવાની ભૂલ નુકસાનકારક સાબિત થઈ શકે છે : દુનિયાભરમાં યુધ્ધના ધોરણે શરૂ થઈ ગઈ છે રસીકરણની પ્રક્રિયા : રસીકરણ પછી પણ અન્ય નિયમોનું પાલન થવું જરૂરી છે : વિશ્વભરમાં સૌથી વધારે કેસ અમેરિકા અને પછી ભારતમાં નોંધાયા

વોશિંગ્ટન,તા. ૮:  કોરોના વાયરસ મહામારીને હરાવવા માટે દુનિયાભરમાં કોરોના વેકિસન લગાવવાની પ્રક્રિયા યુદ્ઘના ધોરણે શરુ કરી દેવામાં આવી છે. આ દરમિયાન રિસર્ચર્સે ચેતવણી આપી છે કે માત્ર રસી લેવાથી કોવિડ-૧૯ના સંક્રમણનો ખતરો ઓછો નહીં થઈ જાય. મેડિકલ જર્નલ જામા નેટવર્ક ઓપનમાં પ્રકાશિત એક શોધમાં શોધકર્તાઓએ કહ્યું કે મોટાભાગની વસ્તીને કોરોનાની રસી આપ્યા પછી જો મહામારીને લગતા પ્રતિબંધોને હટાવી લેવામાં આવશે તો કોરોના વાયરસનો પ્રસાર વધશે.

યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિનાના સહાયક પ્રોફેસર મેહુલ પટેલ અને તેમની ટીમ દ્વારા કેરોલિનામાં એક કરોડ લોકોમાં કોરોના વાયરસના પ્રસારને સમજવા માટે ગણિતના મોડલનો ઉપયોગ કરવામાં આવ્યો. તેમણે જોયું કે જો મહામારી માટેની સતર્કતા જેમ કે કવોરન્ટાઈન, સ્કૂલ બંધ રાખવી, સોશિયલ ડિસ્ટન્સિંગ અને ફરજિયાત માસ્ક પહેરવું વગેરેમાં ઢીલ આપવામાં આવશે તો રસીકરણ કર્યા પછી પણ કોરોના વાયરસનું સંક્રમણ, હોસ્પિટલોમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા અને મૃત્યુદરમાં વધારો થઈ શકે છે.

પ્રોફેસર મેહુલ પટેલે જણાવ્યું કે, અમારી શોધમાં અમે જોયું કે જો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવે તો લગભગ એક કરોડની વસતીમાં ૧૮ લાખ સંક્રમણ અને ૮ હજાર જેટલા મૃત્યુને ૧૧ મહિનામાં રોકી શકાય છે. ઉલ્લેખનીય છે કે આખા વિશ્વમાં કોરોનાના કેસની કુલ સંખ્યા લગભગ ૧૭.૩૧ કરોડ થઈ ગઈ છે. અત્યાર સુધી કુલ મળીને ૩૭.૨ લાખથી વધારે લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યા છે.

આ આંકડા જોન્સ હોપકિન્સ વિશ્વવિદ્યાલય દ્વારા રજૂ કરવામાં આવ્યા છે. વર્તમાનમાં સમગ્ર દુનિયામાં કોરોનાના કેસ અને મૃતકોની સંખ્યા ક્રમશૅં ૧૭૩,૧૯૭,૯૪૪ અને ૩,૭૨૬, ૧૦૭ છે. સીએસએસઈ અનુસાર, દુનિયામાં સૌથી વધારે કેસ અને મૃત્યુદર સાથે અમેરિકા સૌથી પ્રભાવિત દેશ બન્યો છે. કોરોના સંક્રમણ બાબતે ૨૮,૮૦૯,૩૩૯ કેસ સાથે ભારત બીજા ક્રમાંક પર છે. આંકડા અનુસાર, ૩૦ લાખથી વધારે કેસ વાળા અન્ય દેશોમાં બ્રાઝિલ, ફ્રાન્સ, તુર્કી, રશિયા, યુકે, ઈટાલી, આજર્િેન્ટના, જર્મની, સ્પેઈન અને કોલંબિયા છે.

(11:09 am IST)