Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

બિહારના ભાગલપુરનો રસપ્રદ કિસ્સો

ઓનલાઈન કલાસ દરમિયાન શિક્ષક-વિદ્યાર્થીની વચ્ચે પ્રેમ પાંગર્યો : મંદિરમાં કર્યા લગ્ન

દહેજ અને જાનૈયાઓ વગર કપલે મંદિરમાં જ લગ્ન કર્યા : ખર્ચ, ધામધૂમ વિના આ લગ્નની ખૂબ પ્રશંસા થઈ રહી છે

પટણા,તા. ૮: એવું કહેવામાં આવે છે, કે પ્રેમ કયારે અથવા કયાં થશે તે કોઈને ખબર નથી. બિહારના ભાગલપુરમાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો, જયાં એક કોચિંગ શિક્ષક એક વિદ્યાર્થિનીના પ્રેમમાં પડ્યો. કોરોના સમયગાળા દરમિયાન શાળાઓ અને કોલેજો બંધ છે, તેથી ઓનલાઇન કલાસ દ્વારા અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. ભાગલપુરમાં ફિઝિકસ કોચિંગ ચલાવતા રોહિત પણ ઓનલાઇન કલાસ લે છે. આ દરમિયાન તેમણે પોતાની કલાસમાં બાંકાની રહેવાસી કાજલને જોઈ. આ દરમિયાન બંને પ્રેમમાં પડ્યા અને પછી આ મામલો લગ્ન સુધી પહોંચ્યો. ખાસ વાત એ હતી તેમના લગ્ન વગર કોઈ દહેહ, બેન્ડ-બાજા અને જાનૈયા વગર મંદિરમાં થયા.

રોહિત સુલતાનગંજની કટારા પંચાયતમાં સ્થિત કુમારપુર ગામના રહેવાસી ગિરિનંદ સિંહના પુત્ર છે. બીજી તરફ કાજલ બાંકા જિલ્લાના શંભુગંજ બ્લોકના બિરુંધામાં રહેતા સંજય મંડળની પુત્રી છે. કહેવામાં આવી રહ્યું છે કે કાજલ રોહિતના ઓનલાઇન કોચિંગ કલાસમાં પણ જોડાઈ હતી. 'ઝૂમ એપ્લિકેશન' અને 'વોટ્સએપ' પર ઓનલાઇન વર્ગો ચાલતા હતા. આ દરમિયાન જયારે રોહિત અને કાજલ વચ્ચે પ્રેમ પાંગર્યો ત્યારે તેઓએ મળવાનું નક્કી કર્યું અને પછી મામલો લગ્ન સુધી પહોંચી ગયો.

રોહિત અને કાજલે ૨ જૂનના રોજ સુલ્તાનગંજનાં કુમારપુર ગામ સ્થિત કાલી મંદિરમાં લગ્ન કર્યા હતા. રોહિતે દહેજ વિના લગ્ન કરીને સમાજમાં એક દાખલો બેસાડવાની સાથે સાથે દહેજના લોભીઓને કડક સંદેશ પણ આપ્યો છે. કોઈ પણ ખર્ચ અને ધામધૂમ વિના આ લગ્નની લોકો ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. સમગ્ર મામલે કાજલનો પરિવાર જણાવે છે કે, કાજલે જયારે ઈન્ટરનો અભ્યાસ પૂર્ણ કર્યો ત્યારે પરિવારના સભ્યોને તેના લગ્નનની ચિંતા થવા લાગી. આ ચિંતા લગ્નમાં સામેલ દહેજની હતી. પરંતુ કાજલ હંમેશા દહેજનો વિરોધ કરતી હતી.

પરિવારના કહેવા મુજબ જયારે પણ દ્યરમાં લગ્નની ચર્ચા થતી ત્યારં દહેજનું નામ સાંભળીને કાજલ ભડકી જતી. કાજલના પરિવારજનોનું માનીએ તો કાજલ એવા વરરાજાની શોધમાં હતી જે દહેજ વિના લગ્ન કરે. એવું કહેવાય છે ને કે, જો તમારો પ્રયત્ન સારો છે, તો તેને પૂર્ણ કરવા માટે ભગવાન પણ અપ્રત્યક્ષ રીતે મદદ કરવા આવે છે. કાજલ સાથે પણ એવું જ થયું. વ્યવસાયે શિક્ષક રોહિત કુમારે કાજલનું આ સપનું સાકાર કર્યુ. એટલું જ નહીં રોહિતના પિતા ગિરિનંદ સિંહ પણ પુત્રના આ દહેજ મુકત લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. લગ્ન બાદ નવ દંપતીએ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવા માટે વિશ્વ પર્યાવરણ દિને તેમના દ્યરે રોપાનું વાવેતર કર્યું હતું.

આ સમગ્ર મામલામાં શંભુગંજના બ્લોક વિકાસ અધિકારી (BDO) પ્રભાત રંજને જણાવ્યું હતું કે, રોહિત અને કાજલના લગ્ન દહેજ વગર થયાં હતાં. આ વિશે અમને જાણ થતાં જ અમે નવદંપતીઓનો સંપર્ક કર્યો અને તેમને અભિનંદન આપ્યા. બીડીઓએ જણાવ્યું હતું કે, અમે આ લગ્ન માટે મુખ્યમંત્રી કન્યા વિવાહ યોજના અંતર્ગત કન્યાને આપવામાં આવતા ઈનામની પણ ભલામણ કરીશું.

(11:09 am IST)