Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

૧લી જુલાઇથી રૂપિયા ૫૦ લાખની ખરીદી પર ૦.૧ ટકા ટીડીએસ કપાશે

૧૦ કરોડથી વધુનું ટર્નઓવર ધરાવનાર માટે લાગુ થશે આ નિયમ : પાનકાર્ડ નહીં ધરાવનાર પાસેથી પાંચ ટકા ટીડીએસની વસૂલાત કરાશે

નવી દિલ્હી,તા. ૮ : નાણાકીય વર્ષ દરમિયાન જે વેપારીનું ટર્નઓવર ૧૦ કરોડ અથવા તેનાથી વધુ હોય તેવા તમામ વેપારીએ ૫૦ લાખની ખરીદી કરવા પર ૦.૧ ટકા ડીટીએસ કાપીને ઇન્કમટેકસ વિભાગમાં જમા કરાવવાનો રહેશે. આ નિયનો અમલ આગામી એક જુલનઇથી કરવામાં આવનાર છે.

એક જુલાઇ ૨૦૨૧થી ટીડીએસના નિયમોમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવનાર છે. તેના માટે કલમ ૧૯૪ કયુમાં ફેરફાર કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેથી જે વેપારીનું ટર્નઓવર ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ૧૦ અથવા તેના કરતાં વધુ હોય તે વેપારીએ ૫૦ લાખથી વધુ ખરીદી કરતા પહેલા ૦.૧ ટકા ટીડીએસ કાપીને જમા કરાવવો પડશે. એટલે ૫૦ લાખની ખરીદી પર ૫૦૦ રૂપિયાનો ટીડીએસ વિભાગમાં ફરજિયાત જમા કરાવવો પડશે. આ ઉપરાંત પાનકાર્ડ નહીં ધરાવનાર વેપારીનું બિલ બનાવતા પહેલા પાંચ ટકા ટીડીએસ કાપવાનો નિયમ લાગુ કરવામાં આવનાર છે. જો કે આ નિયમનો અમલ આગામી એક જુલાઇથી લાગુ કરવામાં આવે તે પહેલા આવી રહેલા તમામ બિલની ચુકવણી કરી દેવામાં આવે તો તે પેટે ટીડીએસ કાપવાનો રહેશે નહીં.

ટીડીએસ કાપ્યો તો ટીસીએસમાં રાહત મળશે

૧૦ કરોડથી વધુ ટર્નઓવર ધરાવનાર પાસે ૦.૧ ટકા ટીસીએસ (ટેકસ કલેકશન સોર્સ) કાપવાનો નિયમ ઓકટોબર ૨૦૨૦થી લાગુ કરવામાં આવ્યો છે. જ્યારે એક જુલાઇથી ટીડીએસ કાપવાનો નિયમ લાગુ કરવામાં આવનાર છે. જો કે વેપારી દ્વારા ટીડીએસ કાપવામાં આવ્યો હોય તો પછી ટીસીએસ કાપવાનો રહેશે નહીં

ટીડીએસ નહીં જમા કરાવનાર સામે કાર્યવાહી થશે

૧૦ કરોડથી વધુ ટર્નઓવર ધરાવનાર વેપારી દ્વારા ટીડીએસ કાપીને ઇન્કમટેકસમાં જમા કરાવવામાં નહીં આવે તો નિયમ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. જેથી વેપારીએ વિભાગમાં જમા કરાવેલ એટલે કે રિટર્નમાં દર્શાવેલા ૩૦ ટકા બિલને માન્યતા આપવામાં આવશે નહીં તેના લીધે તેનો ટેકસ વસુલ કરવામાં આવશે.

- નિતેશ અગ્રવાલ (સીએ)

(11:07 am IST)