Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

પર્યટકોની પ્રથમ પસંદ

ઘેઘુર જંગલો અને રમણિય પર્વતમાળા ધરાવતું ગુજરાતનું એકમાત્ર હીલ સ્ટેશન સાપુતારા

આદિવાસી સમાજની અનોખી સંસ્કૃતિ તથા નાગેશ્વર મહાદેવનું અનન્ય મહત્વઃ ચારે બાજુ અદ્ભુત હરીયાળી : એડવેન્ચર પાર્ક, રોપ-વે, ઇકો પોઇન્ટ, પેરાગ્લાઇડીંગ, સનસેટ પોઇન્ટ, તળાવ સહિતના આકર્ષણોઃ નાના-મોટા તમામને મજો-મજો પડી જાય : ચોમાસામાં તો કંઇક અલગ જ નઝારો સહેલાણીઓને જોવા મળે છે

રાજકોટ તા. ૭ :.. ભારત સહિત સમગ્ર વિશ્વમાં પ્રવાસન ઉદ્યોગનું કદ સતત વધતું જાય છે. લોકો હરવા-ફરવા માટે અનુકુળતા અને બજેટ પ્રમાણે વીથ ફેમિલી કે ગ્રુપ સર્કલમાં વર્ષમાં કદાચ એકાદ વખત તો હોલી-ડે પ્લાનિંગ કરતા જ હોય છે. ગુજરાતમાં પણ સહેલાણીઓની પસંદગીના અનેક ફરવાના સ્થળો આવેલા છે. ઘેઘુર જંગલો અને રમણિય પર્વતમાળા ધરાવતું ગુજરાતનું એકમાત્ર હીલ સ્ટેશન સાપુતારા પર્યટકોની પ્રથમ પસંદ ગણાય છે.

આદિવાસી સમાજની અનોખી સંસ્કૃતિ તથા નાગેશ્વર મહાદેવનું અનન્ય મહત્વ ધરાવતું સાપુતારા ચારે બાજુ અદ્ભુત અને નયનરમ્ય હરીયાળી ધરાવે છે. ચોમાસામાં તો સહેલાણીઓને અહીં કંઇક અલગ જ નઝારો જોવા મળે છે. બાળકો અને મોટેરા એમ તમામને મજો મજો પડી જાય તેવા એડવેન્ચર પાર્ક, રોપ-વે, ઇકો-પોઇન્ટ, પેરાગ્લાઇડીંગ, સાપુતારાની વચ્ચે જ આવેલું સુંદર અને મનોરમ્ય તળાવ (જેને કારણે લેકસિટી પણ કહેવાય છે) સહિતના આકર્ષણો અહીં આવેલા છે.

ગુજરાત રાજયના ડાંગ જીલ્લામાં આવેલ સાપુતારાનાં જંગલો પર્યટકોને મદહોશ કરી દે તેવા દેખાતા હોવાનું સોલો ફીમેલ ટ્રાવેલર કાયનાત કાજી જણાવી રહ્યા છે. ટીક અને વાંસના વૃક્ષોથી ફેલાયેલ આ વનસંપતિ જે તે સમયે અંગ્રેજો માટે પણ આકર્ષણરૂપ હતી. આ જંગલ વર્લી, ખુમ્બી, ભીલ તથા ડાંગી આદિવાસીઓનું રહેઠાણ ગણાય છે. અહીં આદિવાસીઓ ૮ થી ૧૦ મી સદી દરમ્યાન આવ્યા હોવાનું કહેવાય છે. અને પછી અહીં જ વસી ગયા હતાં. પોતાને જંગલપુત્ર કહેતા આદિવાસીઓને જંગલો પ્રત્યે અપાર લાગણી છે અને તેનો પ્રભાવ તેઓના જીવન ઉપર જોવા મળે છે. તેઓના વાદ્યયંત્રો પણ વાંસના લાકડાના બનેલા હોય છે. તેઓના લોકનૃત્યોમાં પણ વાંસના બનાવેલા મુખવટાનો પ્રયોગ કરવામાં આવે છે. તેઓના શરીર ઉપર ત્રોફાવેલ ટેટૂમાં પણ વૃક્ષોના ચિત્રો જોવા મળે છે.

સાપુતારાની વચ્ચો વચ્ચ આવેલ ખૂબ જ સુંદર તળાવની બાજુમાં જ એક અતિ શાંત અને સુંદર ઉદ્યાન (બગીચો) આવેલ છે.

આ સાપુતારા લેક ગાર્ડન (બગીચો) ખાતે બાળકોના મનોરંજન માટે ઘણાં આકર્ષણો છે. સાપુતારા છે ગુજરાતમાં પણ મહારાષ્ટ્રથી નજીક હોવાને લીધે ત્યાંના સમાજજીવન ઉપર મહારાષ્ટ્રની અસર પણ જોવા મળે છે. અહીંના સંગ્રહાલય (મ્યુઝીયમ) માં ડાંગી આદિવાસી સમાજના જીવનની વિભિન્ન સામગ્રીઓ જોવા મળે છે.

સમગ્ર હીલ સ્ટેશનને માણવા અહીં ઘણાં લોકેશન (પોઇન્ટ) બનેલા છે. જેમાં અહીં સનસેટ પોઇન્ટ ઉપર સાંજે લોકો ઉમટી પડે છે. આ જ રીતે ટેબલ પોઇન્ટ પણ પહાડો-પર્વતોની ઊંચાઇ ઉપર બનેલ એક સમથળ સ્થાન છે. અહીં થોડા સમય પહેલા બનેલ રોપ-વે પણ આકર્ષણરૂપ છે. સનરાઇઝ પોઇન્ટથી સૂર્યોદય ખૂબ સરસ રીતે જોવા મળે છે. સાપુતારામાં પ્રવેશ કરતા પહેલાં જ ઇકો પોઇન્ટ આવે છે કે જયાં ઊભા રહીને જોરથી અવાજ કરવાથી (રાડ પાડવાથી) પર્વતો સાથે અથડાઇને અવાજનો ઇકો પડે છે. (અવાજનો પડઘો પડે છે.) ડાંગના જંગલોમાં ફરવા નિકળીએ તો અહીં 'લોગ હટ' માં રોકાઇને જંગલનો અનુભવ પણ લેવા જેવો છે. અહીંનું 'હની બી' સેન્ટર પણ જોવા લાયક છે.

સાપુતારા નાગો (સર્પ) ની ધરતી છે, જેનું પ્રમાણ અહીં આવેલ નાગેશ્વર મહાદેવ મંદિરથી પણ મળે છે. અહીંના આદિવાસી સમાજમાં આ મંદિરનું ખૂબ જ મહત્વ છે. નાગેશ્વર મહારાજને નાગોના ઇશ્વર માનવામાં આવે છે. નાગપંચમીના દિવસે અહીં મોટા પ્રમાણમાં શ્રધ્ધાળુઓ આવે છે. યુવાનો માટે ગવર્નર હિલ ઉપર સનસેટ પોઇન્ટની બાજુમાં  સાપુતારા એડવેન્ચર પાર્ક બનાવવામાં આવ્યું છે. અહીં સવારે ૮ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી ઘણી બધી એડવેન્ચર્સ એકિટીવિટીઝ થાય છે. અહીં પેરાગ્લાઇડીંગ પણ થઇ શકે છે, પરંતુ વરસાદમાં બંધ હોય છે.

ટૂંકમાં હરવા-ફરવાના શોખીન સહેલાણીઓ માટે જીવનમાં એક વખત સાપુતારાની સહેલગાહે નિકળવું એ અનેરો લ્હાવો ગણી શકાય.

સાપુતારા પહોંચવું કઇ રીતે? રહેવું કયાં ?

સાપુતારાથી સૌથી નજીક વધઇ રેલ્વે સ્ટેશન આવેલું છે કે જે અંદાજે પ૦ કિલો મીટર જેટલું થાય છે. આ સ્ટેશનથી સહેલાણીઓને મુંબઇ, દિલ્હી, અમદાવાદ સહિતની જગ્યાઓ માટે સરળતાથી ટ્રેઇન મળી રહે છે. સાપુતારા મુંબઇથી અંદાજે રપ૦ કિલો મીટર થાય છે તથા સુરતથી ૧૬૦ કિલો મીટર જેટલું થાય છે. બાય રોડ બસ દ્વારા કે પ્રાઇવેટ વાહન દ્વારા પણ જઇ શકાય છે. ગુગલ મેપની મદદ લઇ શકાય છે અને ત્યાં જવા માટે કે રહેવા માટે ટ્રાવેલ એજન્ટસનો કોન્ટેકટ પણ કરી શકાય છે.

સાપુતારા તથા તેની આજુબાજુ રહેવા માટે સીઝન તથા ફેસેલિટીઝ મુજબ ૧ર૦૦ રૂપિયાથી માંડીને ૬૦૦૦ રૂપિયાના ટેરીફ સુધીની હોટલો અવેલેબલ છે. ડાંગ જંગલની સહેલ દરમ્યાન લોગ હટ પણ મળી રહે છે. વિવિધ ટેરીફવાળા ગેસ્ટ હાઉસ પણ આવેલા છે. ગુગલ ઉપર સર્ચ કરીને ઓનલાઇન બુકીંગ પણ શકય છે. અમુક કિસ્સામાં ડીસ્કાઉન્ટનો લાભ પણ મળે છે.  accommodation in saputara  નામથી ગુગલ ઉપર સર્ચ કરી શકાય છે.

(11:05 am IST)