Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

કોરોના વાયરસના મ્યૂટેશનને લઈને ચોંકાવનારો ખુલાસો

મહારાષ્ટ્રમાં ૪૭ વાર રંગ બદલી ચૂકયો છે કોરોના વાયરસ : ત્રીજી લહેર હશે ઘાતક

નવી દિલ્હી,તા. ૮: મહારાષ્ટ્રમાં કોરોનાને લઈને રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ૩ મહિનામાં અહીં અલગ અલગ લોકોમાં નવા વેરિઅન્ટ જોવા મળ્યા છે. વૈજ્ઞાનિકોને શંકા છે કે  હજુ પણ પ્લાઝમા, રેમડેસિવિર અને સ્ટીરોઈડની દવાઓનો ઉપયોગ થઈ રહ્યો છે અને તેનાથી મ્યૂટેશનને વેગ મળી રહ્યો છે. આ માટે અન્ય રાજયોમાં સિકવન્સિંગ વધારવાની જરૂર છે. 

રિસર્ચમાં મહારાષ્ટ્રના અનેક જિલ્લાને સામેલ કરાયા છે. કારણકે દેશમાં સૌથી વધારે કોરોના સંક્રમણની અસર ગયા એક વર્ષમાં મહારાષ્ટ્રમા સૌથી વધારે રહી હતી. મહારાષ્ટ્રમાં ફેબ્રુઆરીમાં વાયરસના એસ પ્રોટીનમાં સૌથી વધારે મ્યૂટેશન જોવા મળ્યા હતા. એક એક મ્યૂટેશનની જાણકારી લેવામાં આવી રહી છે. 

તેઓએ કહ્યું કે વાયરસમાં સતત થઈ રહેલા મ્યૂટેશન અને સંક્રમણના વધતા એક ગંભીર સ્થિતિનું પૂર્વાનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જયારે એક અધિકારીએ કહ્યું કે બી.૧.૬૧૭ વેરિઅન્ટ કુલ ૫૪ દેશમાં મળી રહ્યો છે. તેના એક અન્ય મ્યૂટેશનને જેલ્ટા વેરિઅન્ટ નામ અપાયું છે. ભારતમાં અન્ય લહેરમાં સ્થાનિક સ્તરે મ્યૂટેશનને લઈને વધારે જીનોમ સિકવન્સિંગની જરૂર છે. જેથી મ્યૂટેશનની જાણકારી મળી શકે.

બીજી લહેરના વધતા સંક્રમણમાં મહારાષ્ટ્રની સ્થિતિ મુશ્કેલ બની હતી. નવેમ્બર ૨૦૨૦થી ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી અહીં ૭૩૩ સેમ્પલ મળ્યા છે અને સાથે જ દરેક સેમ્પલમાં ૪૭ વાર મ્યુટેશન જોવા મળ્યું છે. દેશમાં પહેલા કયારેય આવું જોવા મળ્યું નથી. ઈટલી, ફ્રાન્સ, યૂકે અને અમેરિકાને જોતા તેનો અંદાજ આવી શકે છે. ૭૩૩માંથી ૫૯૮ સેમ્પલની સિકવન્સિંગમાં વૈજ્ઞાનિકોએ કામયાબી મેળવી હતી પણ ડેલ્ટા વેરિઅન્ટ સિવાય પણ અનેક વેરિઅન્ટ મહારાષ્ટ્રમાં ફેલાઈ રહ્યા છે.

 રિપોર્ટમાં ચોંકાવનારી વાત એ સામે આવી કે જયારે ૨૭૩ સેમ્પલમાં બી. ૧.૬૧૭ , ૭૩માં બી. ૧.૩૬.૨૯, ૬૭માં બી. ૧.૧.૩૦૬, ૩૧માં બી. ૧.૧.૭, ૨૪માં બી.૧.૧.૨૧૬, ૧૭મી  બી.૧.૫૯૬ અને ૧૫ સેમ્પલમાં બી.૧.૧  વેરિઅન્ટ મળ્યા છે. આ સિવાય અન્ય ૧૭ સેમ્પલમાં બી.૧ અને બી.૧.૩૬ વેરિઅન્ટ ૧૨ લોકોના સેમ્પલમાં મળ્યા છે. આ સિવાય પણ અનેક મ્યૂટેશન તપાસમાં મળ્યા છે. જેને લઈને રિસર્ચ ચાલી રહ્યું છે.

 વૈજ્ઞાનિકોએ યૂપી, બિહાર, દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, કેરળ, કર્ણાટક, તમિલનાડુ, પ.બંગાળ, તેલંગાણા અને એ રાજયોમાં સિકવન્સિંગ વધારવાની અપીલ કરી છે જયાં કેટલાક દિવસોથી વધારે સંક્રમણ જોવા મળી રહ્યું હતું. આ રાજયોમાં અનેક જિલ્લા એવા પણ હતા જયાં સંક્રમણનો દર ૪૦ ટકાથી વધારે પહોંચ્યો હતો. જે દુનિયાના અન્ય કોઈ દેશમાં જોવા મળ્યો નથી. આ સિવાય રિપોર્ટમાં કહેવાયું છે કે પશ્ચિમ મહારાષ્ટ્રના પુણે, મુંબઈ, ઠાણે અને નાસિકમાં કોરોનાના વંશ ફેલાઈ ચૂકયા છે. જયારે પૂર્વી મહારાષ્ટ્રમાં બી. ૧.૬૧૭ નું સંક્રમણ વધારે જોવા મળી રહ્યું છે.

(10:54 am IST)