Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

તામિલનાડુ : રસી લેવા પર ઇનામમાં સ્કુટી અને મિકસર સહિતની ગિફટ : છેલ્લે બિરયાની તો પાક્કી

અફવાઓના ડરથી રસી ને લેતાં નાગરિકોને પ્રોત્સાહન આપવા સ્થાનિક સંસ્થાઓ દ્વારા આ પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે : કોરોનાની ડરથી ગામના ૧૪૦૦૦થી વધુ લોકો રસી માટે તૈયાર નથી : કુલ વસ્તીમાંથી માંડ ૫૦થી ૬૦ લોકોએ રસી લીધી હતી : ગિફટ મળતી થઇ પછી અત્યાર સુધી ૬૫૦થી વધુએ રસી લીધી અને ૭૦૦થી વધુ રજિસ્ટ્રેશન કરાવ્યું

ચેન્નઇ,તા.૮: કોરોના મહામારી વિરુદ્ઘ દેશભરમાં રસીકરણ અભિયાન તેજ કરી દેવામાં આવ્યું છે. સરકાર રસીકરણનો વધુને વધુ ફાયદો નાગરિકોને મળે એ માટે સતત પ્રયત્નશીલ છે. એવામાં રસીકરણને લઇને ફેલાયેલી અફવાઓને લીધે આ અભિયાન કેટલાક વિસ્તારોમાં અસરકારક પૂરવાર નથી થઇ રહ્યું. આવા વિસ્તારોમાં રસી માટે જાગરુકતા ફેલાવવા માટે અવનવા ઉપાયો કરવા પડી રહ્યા છે.

આવું જ કંઇક બની રહ્યું છે, તમિલનાડુ રાજયમાં. અહીંના એક નાનકડા ગામમાં રસીકરણને પ્રોત્સાહન આપવા માટે લોકોમાં ભેટો વહેંચવી પડી રહી છે. એમાં પણ ગિફ્ટ ગમે એવી નહીં, સોનાના સિક્કાથી માંડીને વોશિંગ મશીન અને સ્કુટી જેવી કિંમતી ભેટો આપવામાં આવી રહી છે. છેલ્લે કંઇ નહીં મળે તો બિરિયાની તો પાક્કી જ છે.

તમિલનાડૂના કોવલમ ગામમાં રસી લેનારને બિરયાની અને મોબાઇલ રિચાર્જ કુપન આપવામાં આવી રહી છે. આ સિવાય અઠવાડિયે લકી ડ્રોની સ્કિમ પણ ચાલી રહી છે જેમાં વિજેતાને સોનાના સિક્કા, મિકસર, ગ્રાઇન્ડર, સ્કૂટી અને વોશિંગ મશીન મળી રહ્યા છે. કોવલમ ગામ એક તટિય વિસ્તારમાં વસેલુ છે જયાં આશરે ૧૪ હજારથી વધુ માછીમારો વસે છે. જેમાં ૧૮ વર્ષથી વધુ વયના ૬૪૦૦ લોકો છે પરંતુ તેમાંથી માંડ ૫૦થી ૬૦ લોકોએ જ રસી લીધી હતી. અફવાઓના ડરથી તેઓ રસી લેવા તૈયાર નથી.

જોકે રસી માટે ભેટ અને લકી ડ્રોમાં કિંમતી ભેટ મળવાને લીધે લોકોમાં રસી લેવાની ઇચ્છા વધી રહી છે અને અત્યાર સુધી ૬૫૦થી વધુ લોકો રસીનો પહેલો ડોઝ લઇ ચૂકયા છે. જયારે ૭૦૦થી વધુએ રસી માટે બુકિંગ કરાવી લીધુ છે. જેનો મતલબ થાય છે કે ગિફ્ટ માટે પણ લોકો રસીકરણ માટે તૈયાર થઇ રહ્યા છે. એમાં પણ બિરિયાની તો ખાવા મળી જ રહી છે.

(10:54 am IST)