Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

વિશ્વના સૌથી ધનવાન ઉદ્યોગપતિ જેફ બેઝોસ 20 જુલાઈએ અંતરિક્ષયાત્રા કરશે : 52 વર્ષ પહેલા જોયેલું સ્વપ્ન થશે સાકાર

જેફ બેઝોસની સાથે તેમના ભાઈ માર્ક બેઝોસ અને એક ઓક્શનના વિજેતા પણ અવકાશમાં જશે.

નવી દિલ્હી : વિશ્વના ટોચના ધનવાન ઉદ્યોગપતિ જેફ બેઝોસ 20મી જુલાઈએ અંતરિક્ષમાં જશે. આ જેફ બેઝોસની સ્પેસ કંપની બ્લુ ઓરિજિનની પ્રથમ સમાનવ અંતરિક્ષ યાત્રા હશે. જેફ બેઝોસની સાથે તેમના ભાઈ માર્ક બેઝોસ અને એક ઓક્શનના વિજેતા પણ અવકાશમાં જશે.

આ અંગેની જાહેરાત જેફ બેઝોસે ઈન્સ્ટાગ્રામમાં કરી હતી.જેફ બેઝોસે પોસ્ટમાં લખ્યું હતુંઃ ‘હું પાંચ વર્ષનો હતો ત્યારથી અવકાશમાં જવાનું મારું સપનું હતું. મારે અવકાશમાંથી પૃથ્વીને નિહાળવી છે. એ દૃશ્ય તેમને બદલી શકે છે. એ તમારો સંબંધ માત્ર પૃથ્વી સાથે નહીં, પરંતુ આખા બ્રહ્માંડ સાથે સ્થાપી આપે છે. હું અવકાશમાં જવા ઈચ્છું છું, કારણ કે મારી આખી જિંદગી મેં એ વિચારમાં ગાળી છે. એ મારા માટે અભૂતપૂર્વ સાહસ હશે. એ મારા માટે બહુ જ મોટી બાબત હશે’.

જેફ બેઝોસની સાથે તેના ભાઈ માર્કને પણ અવકાશમાં જતી ફ્લાઈટમાં જગ્યા મળશે. તે ઉપરાંત એક જગ્યા માટે ઓનલાઈન હરાજી થઈ રહી છે. એ હરાજીમાં ૧૪૩ દેશોમાંથી 6000 લોકોએ ભાગ લીધો છે. એ હરાજીમાં જે વિજેતા બનશે તેને પણ જેફ બેઝોસની સાથે અંતરિક્ષમાં જવાની તક મળશે. હરાજીમાંથી જે રકમ મળશે તે જેફ બેઝોસના બ્લુ ઓરિજિન ફાઉન્ડેશનને દાન અપાશે.

જેફ બેઝોસ અને ઈલન મસ્ક વચ્ચે સ્પેસ ક્ષેત્ર સર કરવાની હોડ વર્ષોથી જામી છે. એવી અટકળો થતી હતી કે નજીકના ભવિષ્યમાં ઈલન મસ્ક અવકાશમાં જશે, એ દરમિયાન અચાનક જેફ બેઝોસે અવકાશમાં જવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા છે. જેફ બેઝોસ અંતરિક્ષમાં જનારા પ્રથમ ઉદ્યોગપતિ બની જશે.

(12:00 am IST)