Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

રાહુલબાબા માનતા નથી

બે કાર્યકારી પ્રમુખના પ્રસ્તાવ ઉપર વિચાર કરે છે કોંગ્રેસઃ શિંદે-ખણેના નામની ચર્ચા

નવી દિલ્હી, તા.૮: લોકસભા ચૂંટણીમાં મળેલી કારમી હાર બાદ ઘણા રાજયોના સંગઠનોમાં ઉભરેલા મતભેદો અને પલાયનની આશંકા વચ્ચે કોંગ્રેસ પાર્ટીમાં મોટા પ્રમાણમાં ઉથલ-પાથલ જોવા મળી રહી છે. રાહુલ ગાંધીના વાયનાડ પ્રવાસની વચ્ચે અહેવાલ છે કે, તેઓ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી આપેલું રાજીનામું પાછું ન લેવા પર મક્કમ રહેવાની સ્થિતિમાં પાર્ટીના સભ્ય એકથી વધુ કાર્યકારી અધ્યક્ષ બનાવવાના મોડલને અંતિમ રૂપ આપી રહ્યા છે. નવા ઉત્તરાધિકારી વિશે ઘણા મંથન બાદ પાર્ટીના સભ્યમાં એ વાતની સંમતિ બની છે કે કોંગ્રેસના બે કાર્યકારી અધ્યક્ષ હોવા જોઈએ, તેમાંથી એક જો દક્ષિણ ભારતમાંથી હોય તો પાર્ટી માટે યોગ્ય રહેશે. તો, એક પ્રસ્તાવ એ પણ છે કે, કાર્યકારી અધ્યક્ષ અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓમાંથી હોવા જોઈએ.

પાર્ટી સૂત્રો મુજબ, આ સંબંધમાં કેટલાક નામ સૂચવાયા છે. તેમાં અનુસૂચિત જાતિના બે નેતા સુશીલ કુમાર શિંદે અને મલ્લિકાર્જૂન ખડગે સામેલ છે. તેમની સાથે જયોતિરાદિત્ય સિંધિયાનું નામ પણ યુવા અધ્યક્ષ તરીકે લેવાયું છે. સૂત્રોએ જણાવ્યું કે, નવું સેટ-અપ સંસદના બજેટ સત્ર પહેલા ઊભું થઈ જાય તેવી શકયતા છે. આ પહેલા પાર્ટીએ ત્રણ કે ચાર કાર્યકારી અધ્યક્ષ માટે પ્રસ્તાવ આપ્યો હતો. કહેવાયું હતું કે, ઉત્તર, દક્ષિણ અને પૂર્વ ભારતમાંથી એક-એક અને ચોથો અધ્યક્ષ પશ્ચિમ ભારતમાંથી પસંદ કરવામાં આવે તો કોઈ વાંધો નથી.

સૂત્રોએ એ પણ જણાવ્યું કે, ક્ષેત્રીય નેતા, જેમણે પાર્ટી નેતૃત્વની સલાહમાં અને કોંગ્રેસના અભિયાનમાં પૂરું યોગદાન નથી આપ્યું, તેમને તેની કિંમત ચૂકવવી પડી શકે છે. તેમાંથી એક રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે, ગહલોતના પુત્ર વૈભવ જોધપુર લોકસભા બેઠક પરથી હારી ગયા છે. આ હારનું ઠીકરું ગહલોતે રાજય કોંગ્રેસના અધ્યક્ષ અને ઉપમુખ્યમંત્રી સચિન પાયલટ પર ફોડ્યું હતું. જોકે, જાહેર રીતે તે પરસ્પર એકતા દર્શાવી રહ્યા છે.

બીજી તરફ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા એમ. વીરપ્પા મોઈલીએ રાહુલ ગાંધીને અપીલ કરી છે કે, તે પદ ન છોડે અને રાજય યુનિટોમાં ઊભો થયેલા મતભેદો દૂર કરે. તેમણે કહ્યું કે, વિકલ્પ આપ્યા વિના તે પાર્ટી અધ્યક્ષ પદ ન છોડી શકે. હકીકતમાં, પંજાબ અને રાજસ્થાનમાં પાર્ટીની અંદર મતભેદ અને તેલંગણા તેમજ મહારાષ્ટ્રમાં પલાયનની આશંકા અંગેના અહેવાલો આવી રહ્યા છે. તેના પર પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, 'પાર્ટીમાં અમે બધા તેને લઈને ચિંતિત છીએ.

(11:19 am IST)