Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

મહાભિયોગનું મહાસૂરસૂરિયું

મુખ્‍ય ન્‍યાયમૂર્તિ વિરૂધ્‍ધની કોંગ્રેસની અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી : પાંચ જજોની બેચ સામેની અરજી કોંગ્રેસે પાછી ખેંચવી પડીઃ કપિલ સિબ્‍બલના સવાલો - પાંચ જજોની બેચ બનાવવા કોને આદેશ આપ્‍યોઃ સિબ્‍બલે અરજી પરત ખેચવા માંગણી કરી, સુપ્રિમે માંગ માન્‍ય રાખી અરજી ફગાવી

નવી દિલ્‍હી, તા.૮: સુપ્રીમ કોર્ટના ચીફ જસ્‍ટિસ દીપક મિશ્રા વિરૂધ્‍ધ મહાભિયોગ મામલે નવો વળાંક આવ્‍યો છે. કોંગ્રેસની માંગ કરતી અરજીને સંવિધાન બેંચને ટ્રાન્‍સફર કર્યા બાદ વિવાદ વધુ ઘેરાયો છે. કોંગ્રેસે અરજીને સંવિધાન બેંચને સોંપ્‍યા બાદ પોતાની અરજી જ પાછી ખેચી લીધી છે. કોંગ્રેસ નેતા કપિલ સિબ્‍બલે કહ્યું અમે જાણવા માંગીએ છીએ કે રાતોરાત અરજીને સંવિધાન બેંચને ટ્રાન્‍સફર કરવાનો નિર્ણય કોણે લીધો?

તેઓએ કહ્યું કે જો કોર્ટને લાગે કે કાયદાની પરિભાષા સંવિધાન સાથે જોડાયેલી છે તો ફરી સુનાવણી પ જજોની સામે જશે. આ કાયદાકીય આદેશ નથી અમે જાણવા માંગીએ છીએ કે આ આદેશ  કોણે પસાર કર્યો. કપિલ સિબ્‍બલે કહ્યું, અમે ઇચ્‍છીએ છીએ કે જે પણ કાયદાકીય નિર્ણય થયો છે. તે માલુમ પડે કે કોણે કર્યો છે. જો ચીફ જસ્‍ટિસ કે બીજા કોઇએ પાસ કર્યો છે. તો તેની કોપી અમને આપે.

વધુમાં ઉમેર્યુ કે, જો આ ઓર્ડરની કોપી અમને મળે છે તો અમે નકકી કરીશું કે આ નિર્ણયને અમે પડકારીશું કે નહી આ વાત અમે કોર્ટની સામે રાખી. તેના પર કોર્ટ એ જણાવ્‍યું નથી કે અમે આદેશની કોપી આપીશું કે નહિ.

સિબ્‍બલે કહ્યું કે અમે ન્‍યાયપાલિકા કે કોઇ જજ વિરૂધ્‍ધ કોઇ પ્રાઇવેટ ફરીયાદ નથી. અમે ઇચ્‍છીએ છીએ કે કોર્ટની પ્રણાલી સંપૂર્ણ રીતે સ્‍વચ્‍છ હોય અને કોર્ટની સ્‍વાયતા અને સંપ્રભુતાને જાળવી રાખવા માગીએ છીએ. સરકાર એવો આરોપ લગાવી રહી છે કે તે રાજનીતી છે તો તમે જણાવો કે કયો મુદો રાજનૈતીક છે.

જસ્‍ટિસ સીકરીએ આ અંગે સિબ્‍બલને કહ્યું હતું કે તે મેરિટના આધાર પર દલીલો કરે. સિબ્‍બલે પણ કહ્યું હતું કે અમે મેરિટ પર દલીલ રજૂ નહીં કરીએ, અમે વહીવટી આદેશની કોપી ઈચ્‍છીએ છીએ. અમે આદેશને પડકારવા ઈચ્‍છીએ છીએ. સિબ્‍બલે કહ્યું હતું કે સંવિધાનમાં ચીફ જસ્‍ટિસનો વહીવટી આદેશ જ એકલો એવો આદેશ છે જેને પડકારી શકાય નહીં.

કોપી ન મળવા બદલ સિબ્‍બલે કહ્યું હતું કે અમે અરજી પાછી લઈ રહ્યા છીએ. સુપ્રીમ કોર્ટે અરજી પરત લેવા માટે મંજૂરી આપીને કેસને રદ્દ કરી દીધો હતો.

સુપ્રીમ કોર્ટે ચીફ જસ્‍ટિસ દીપક મિશ્રા સામે ઈમ્‍પીચમેન્‍ટની તરફેણ કરતા વિપક્ષના સાંસદોની માગણીને એક પ્રકારે ફગાવી દીધી છે અને કહ્યું છે કે રાજયસભાના નિયમો મુજબ કોઈ જજ સામે સંસદમાં નોટિસ વગર કોઈ જજને હટાવવા અંગે સાંસદો જાહેરમાં નિવેદનો ન કરી શકે. આ મામલે તાત્‍કાલિક સુનાવણીનો પણ સુપ્રીમ કોર્ટે ઈનકાર કરી દીધો હતો અને જુલાઈના ત્રીજા સપ્તાહમાં સુનાવણી નક્કી કરી છે. એનજીઓ ‘ઈન પર્સ્‍યુટ ઓફ જસ્‍ટિસ'ની અરજી પર સુનાવણી દરમિયાન બેન્‍ચે આ મુજબ કહ્યું હતું.

 

(3:06 pm IST)