Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

ભાજપ - કોંગ્રેસ નેતા બનવાના ‘કલાસ' ચલાવશે!

યુવા વર્ગને રાજકારણમાં જોડવા નવા પ્રયોગો : એક મહિનાનો ઇન્‍ટરશીપ પ્રોગ્રામઃ પોલીટીકલ મેનેજમેન્‍ટ ભણાવશેઃ મોટા નેતાઓ સાથે સીધી વાતચીતનો મોકો પ્રાપ્‍ત થશે

નવી દિલ્‍હી તા. ૮ : દેશના યુવાનો હવે રાજકીય પક્ષોમાં માત્ર વોટ આપવા નહીં, પરંતુ નોકરી અને ઇન્‍ટર્નશિપની શકયતાઓ શોધી રહ્યા છે. રાજકારણમાં યુવાનોના વધતા પ્રભાવ અને મહત્‍વને જોતાં રાજકીય પક્ષોએ પણ તેમને જોડવા નવા નવા પ્રયોગો શરૂ કરી દીધા છે.

એવો જ એક પ્રયોગ થઇ રહ્યો છે જે હેઠળ યુવાનોને પાર્ટીની અંદર ઇન્‍ટર્નશિપ માટે પ્‍લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. તમામ પક્ષોએ તેના પર ફોકસ કરવું શરૂ કરી દીધું છે. પક્ષો ઉપરાંત સરકારી સંસ્‍થાઓએ પણ નક્કી કરેલી વ્‍યવસ્‍થા હેઠળ યુવાનોને ઇન્‍ટર્નશિપ આપવાનો રસ્‍તો વધુમાં વધુ બહોળો કરવાની પહેલ કરી છે.

૩૦ વર્ષથી ઓછી ઉંમરના યુવાનો હવે સત્તાની સીડી બની રહ્યા છે. વર્ષ ર૦૧૯ની સામાન્‍ય ચૂંટણીઓમાં ૬૦ ટકાથી વધુ વોટર્સ આજ ઉંમરના હશે. તેને ધ્‍યાનમાં રાખતાં કોંગ્રેસે પોતાના પારંપારિક અંદાજમાં પરિવર્તન લાવતાં આ વર્ષે ગરમીમાં પહેલીવાર ઇન્‍ટર્નશિપ પ્રોગ્રામની શરૂઆત કરી છે જે હેઠળ પાર્ટીના વિદ્યાર્થી એકમ અને મહિલા એકમે ૩૦ વર્ષથી ઓછી ઉંમરના યુવાનો માટે એક મહિનાના ઇન્‍ટર્નશિપ પ્રોગ્રામની શરૂઆત કરી છે. જે હેઠળ વિદ્યાર્થીઓ નવા પોલિટિકલ ટ્રેન્‍ડ, રાજકીય પક્ષો પાસેથી યુવાનોની અપેક્ષા, સોશિયલ ટ્રેન્‍ડ આ તમામ બાબતો પર રિસર્ચ કરશે.

કોંગ્રેસના એક સિનિયર નેતાના જણાવ્‍યા અનુસાર આ દરમિયાન ઇન્‍ટર્નને મોટા નેતાઓ સાથે સંવાદ કરવાનો મોકો મળશે. તેમના રિસર્ચ પર પાર્ટી ગંભીરતા પૂર્વક વિચાર કરશે. આ રીતે ભાજપના યુવા મોરચાએ પણ સમર ઇન્‍ટર્નશિપ પ્રોગ્રામ આ વર્ષે ગરમીઓમાં શરૂ કર્યો છે. તેમાં ૧૦૦ જેટલા યુવાનોને પોલિટિકલ મેનેજમેન્‍ટ પર ર્ઇીન્‍ટર્ન કરવાનો મોકો મળશે.

સૂત્રોના જણાવ્‍યા મુજબ બંને પાર્ટી વર્ષમાં બે વાર ઇન્‍ટર્નશિપનો રસ્‍તો ખોલવાની પોલિસી બનાવી રહી છે. યુવાનોને પોલિટિકલ સિસ્‍ટમમાં જોડવાની સૌથી પહેલી કોશિશ ર૦૧૪ની સામાન્‍ય ચૂંટણીઓમાં કરાઇ હતી. અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી અને નરેન્‍દ્ર મોદીના નેતૃત્‍વમાં ભાજપે યુવાનોને જોડવાની પહેલ કરી હતી. જોકે બાદમાં તે ઠંડું પડી ગયું.

આ બંને રાષ્ટ્રીય પક્ષ ઉપરાંત બીજા ક્ષેત્રીય પક્ષો પણ આ દિશામાં ગંભીર પહેલ કરી રહ્યા છે. આંધ્રપ્રદેશમાં બંને ક્ષેત્રીય પક્ષો ટીડીપી અને વાયએસઆર કોંગ્રેસે યુવાનોને ઇન્‍ટર્નશિપ માટે જોડયા હતા. ઉલ્લેખનીય છે કે ગયા મહિને વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીએ મનકી બાત કાર્યક્રમમાં સ્‍વચ્‍છ ભારત ઇન્‍ટર્નશિપ માટે યુવાનો આગળ આવે તેવી અપીલ કરી હતી. પસંદ કરાયેલા ૧૦૦ યુવાનોને ઇન્‍ટર્નશિપ અપાશે. તેમને રૂ.૩૦,૦૦૦ સ્‍ટાઇપેન્‍ડ તરીકે પણ અપાશે.

(1:15 pm IST)