Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

કર્ણાટકમાં ત્રિશંકુ વિધાનસભાની આગાહીઃ કોંગ્રેસને સૌથી વધુ બેઠક મળશે એમ ઓપિનિયન પોલ કહે છેઃ ૪ દિ' બાકી

બેંગલૂરૂ તા. ૮ : કર્ણાટક વિધાનસભાની ચૂંટણી રસાકસીભર્યા તબક્કામાં પહોંચી છે ત્‍યારે ભાજપ કે કોંગ્રેસ ક્‍યો પક્ષ બાજી મારી જશે એ સ્‍પષ્ટ ન થઈ રહ્યું હોવા વચ્‍ચે હાથ ધરવામાં આવેલા ઓપિનિયન પોલમાં શાસક કોંગ્રેસ સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવે તેવી શક્‍યતા વ્‍યક્‍ત કરવામાં આવી છે. જોકે કર્ણાટકમાં ત્રિશંકુ વિધાનસભા સર્જાય એવી શક્‍યતા છે અને જનતા દળ (એસ) કિંગમેકર બને એવી શક્‍યતા વ્‍યક્‍ત કરાઇ રહી છે.

ભાજપ માટે રાહતની વાત એ છે કે મુખ્‍ય પ્રધાન સિદ્ધરામૈયાનો માસ્‍ટરસ્‍ટ્રોક બેઅસર રહ્યો છે અને લિંગાયત મત ભાજપના ખાતામાં જ પડે તેવી શક્‍યતા છે.  છેલ્લા ઓપિનિયન પોલ મુજબ કોંગ્રેસને ૯૭, ભાજપને ૮૪, જેડી (એસ)ને ૩૭ તેમ જ અન્‍યોને ૪ બેઠક મળે તેવી શક્‍યતા છે.

સર્વેમાં સિદ્ધરામૈયાએ સારું કામ કર્યું હોવાનું તેમ જ ભાજપ સૌથી ભ્રષ્ટ પક્ષ હોવાનું બહાર આવ્‍યું હતું.

સમાચાર ચેનલના સર્વે મુજબ ૩૮ ટકા મત સાથે કોંગ્રેસને ૯૨થી ૧૦૨, ૩૩ ટકા મત સાથે ભાજપને ૭૯થી ૮૯ અને બાવીસ ટકા મત સાતે જેડી (એસ)ને ૩૨થી ૪૨ બેઠક મળી શકે છે અને જેડી (એસ) કિંગમેકરની ભૂમિકામાં હશે. ૨૨૪ સભ્‍યની બનેલી કર્ણાટક વિધાનસભામાં કોઈપણ પક્ષને સરકાર રચવા ઓછામાં ઓછી ૧૧૩ બેઠકની જરૂર રહેશે.  એ જોતા કોંગ્રેસ અને જેડી (એસ) કે પછી ભાજપ અને જેડી (એસ)ની સંયુક્‍ત સરકાર રચાઈ શકે છે. જેડી(એસ) હુકમનો સિક્કો બને તેવી બધા જ સર્વેની ગણતરી છે.

સર્વેમાં ૨૩ ટકા લોકોએ વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીની કામગીરીને ‘ઘણી સારી' તો ૪૫ ટકા લોકોએ સારી લેખાવી હતી.  આમ રાજયના ૬૮ ટકા લોકો મોદીની કામગીરીથી સંતુષ્ટ હોવાનું જણાઈ રહ્યું છે.

બીજી તરફ, ૭૨ ટકા લોકોએ સિદ્ધરામૈયાની કામગીરીની પ્રસંશા કરી હતી. સર્વેમાં ૪૪ ટકા લોકોએ ભાજપને તો ૪૧ ટકા લોકોએ કોંગ્રેસને સૌથી ભ્રષ્ટ પક્ષ લેખાવ્‍યો હતો.

(5:16 pm IST)