Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

બે વર્ષ બાદ સોનિયા મેદાનમાં: કર્ણાટકમાં સભા ગજવી

વડાપ્રધાન મોદીજી આજે ત્રણ રેલીઓ સંબોધશેઃ કર્ણાટકમાં પ્રચાર પરાકાષ્‍ઠાએ

બેંગ્‍લોર તા. ૮ : લગભગ બે વર્ષ બાદ યુપીએ અધ્‍યક્ષ સોનિયા ગાંધી કોઇપણ ચૂંટણી રેલીને સંબોધન કરવા જઇ રહ્યાં છે. કર્ણાટકમાં આગામી ૧૨ તારીખે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્‍યારે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર હોય સોનિયા ગાંધી બીજાપુરમાં એક ચૂંટણીલક્ષી રેલીને સંબોધન કરશે. વડાપ્રધાન મોદીજી પણ આજે કર્ણાટકમાં ત્રણ રેલીઓને સંબોધન કરશે.

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં સોનિયા ગાંધીની આ પ્રથમ રેલી હશે. ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર હોય કોંગ્રેસ પોતાની પુરી તાકાત લગાવી રહ્યું છે. કોંગ્રેસ અધ્‍યક્ષ રાહુલ ગાંધી સતત ચૂંટણી લક્ષી રેલીઓને સંબોધન કરી રહ્યાં છે.

સોમવારે રાહુલ ગાંધીનો કર્ણાટક ચૂંટણી અભિયાનમાં નવમો અને અંતિમ ચરણ શરૂ થઇ ગયો છે. ઉત્તર પ્રદેશ અગાઉ ૨૦૧૬માં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના સંસદીય વિસ્‍તાર વારણસીમાં રોડ શો દરમિયાન સોનિયા ગાંધીની તબિયત બગડી ગઇ હતી.

કોંગ્રેસના પૂર્વ અધ્‍યક્ષ સોનિયા ગાંધીએ પણ હવે કર્ણાટક ચૂંટણીમાં ઝંપલાવ્‍યું છે. કર્ણાટક ચૂંટણીને ધ્‍યાને રાખીને સોનિયા ગાંધી બીજાપુરમાં એક રેલીને સંબોધશે. બે વર્ષ બાદ સોનિયા ગાંધીની આ પ્રથમ રેલી છે. મહત્‍વનું છે કે કર્ણાટકમાં પોતાની સત્તા જાળવી રાખવા માટે કોંગ્રેસે તમામ તાકાત લગાવી દીધી છે.

કોંગ્રેસ અધ્‍યક્ષ રાહુલ ગાંધી રેલીઓ પર રેલી સંબોધી રહ્યા છે ત્‍યારે હવે સોનિયા ગાંધીએ પણ કર્ણાટક ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્‍યું છે. ઓગસ્‍ટ ૨૦૧૬માં સોનિયા ગાંધીએ આખરી રેલી સંબોધી હતી. ત્‍યારે સોનિયા ગાંધી વારાણસીમાં રોડ શો કરી રહ્યા હતા.

તે સમયે તેમની તબિયત લથડી હતી અને ત્‍યાર બાદ એરલિફટ કરીને દિલ્લી લઈ જવાય હતા. નાદૂરસ્‍ત તબિયત બાદ સોનિયા ગાંધીની આ પ્રથમ રેલી છે. સોનિયા ગાંધી સાંજે ૪ વાગ્‍યે બીજાપુરમાં રેલી સંબોધશે. બીજી તરફ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી પણ કર્ણાટકના કોપ્‍પલ અને બેંગાલુરુમાં રેલી સંબોધશે.

(5:17 pm IST)