Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

દેશમાં કોરોના વાયરસનો હવે તીવ્ર વિસ્ફોટ જારી છે

એક દિવસની અંદર ૭૦૦થી વધુ કેસો થયા : કુલ ૧૨૧૨૭૧ સેમ્પલોના ટેસ્ટિંગ કરવામાં આવી ચુક્યા મલેરિયા વિરોધી દવાઓની કમી નથી : આરોગ્ય મંત્રાલય

નવી દિલ્હી, તા. ૮ : દેશમાં કોરોના વાયરસના એક દિવસના ગાળામાં જ ૭૦૦થી પણ વધારે કેસો નોંધાયા છે. એટલે કે ભારતમાં આ વાયરસનો હવે દરરોજ વિસ્ફોટ થઇ રહ્યો છે. દરરોજ હવે ૫૦૦થી વધુ નવા કેસો સપાટી ઉપર આવી રહ્યા છે. છેલ્લા એક દિવસમાં ૩૨ લોકોના મોત પણ થયા છે. આરોગ્ય વિભાગ દ્વારા કુલ મોતનો આંકડો ૧૪૯નો આંકવામાં આવ્યો છે. રૂટિન બ્રિફિંગમાં મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું હતું કે, કોરોના વાયરસના કન્ફર્મ મામલાની સંખ્યા ૫૧૯૪ થઇ ચુકી છે. રાહતની બાબત એ છે કે, હજુ સુધી ૪૦૨ લોકોને આ વાયરસને સ્વસ્થ કરીને ઘરે મોકલી દેવામાં આવ્યા છે. ભારતમાં હજુ સુધી ૧૨૧૨૭૧ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચુક્યા છે. ત્યારબાદ પોઝિટિવ મામલાની સંખ્યા ૫૦૦૦ નિકળી છે. અમેરિકાના દબાણ બાદ ભારતે એન્ટી મેલેરિયા ડ્રગ્સ હાઈડ્રોક્સીક્લોરોક્વિનના નિકાસમાં છુટછાટ આપી છે. જો કે, આ દવાના નિકાસની બાબત સરકારી મંજુરી અને કોરોના વાયરસથી ખુબ ખરાબરીતે પ્રભાવિત દેશોમાં જ અપાઈ છે. તેમણે કહ્યું હતું કે, આ પગલાથી ભારત પોતાના દર્દીઓ માટે દવાના ભંડારને ઓછો કરી રહ્યો નથી.

          પ્રશ્ન પર અગ્રવાલે કહ્યું હતું કે, માત્ર આજની તારીખમાં જ નહીં બલ્કે ભવિષ્યમાં પણ જ્યારે જરૂર પડે ત્યારે એચસીક્યુ નામની દવાની કોઇ કમી ન થાય તેની ખાતરી પણ કરવામાં આવી છે. ગૃહમંત્રાલયના અધિકારીએ કહ્યું હતું કે, હજુ સુધી ૩૧ રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશોમાં નોંધાયેલા કન્સ્ટ્રક્શન વર્કરોને ૧૦૦૦ રૂપિયાથી લઇને છ હજાર સુધીની રોકડ રકમ આપવામાં આવી રહી છે. આના પર હજુ સુધી ૩૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે. આ પૈસા બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર વેલ્ફેર સેસમાંથી આપવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસના વધતા મામલાઓને ધ્યાનમાં લઇને લોકડાઉન જારી રાખવાની સંભાવના વધારે દેખાઈ રહી છે. અલબત્ત કેન્દ્ર સરકાર તરફથી લોકડાઉનને વધારવા માટે કોઇ સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યા નથી. કોરોના મુદ્દા પર મોદી હજુ સુધી બે વખત રાષ્ટ્રને સંબોધન કરી ચુક્યા છે. પ્રથમ વખત કોરોના વાયરસના પરિણામ સ્વરુપે એક દિવસ માટે જનતા કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. બીજી વખત તેઓએ ૨૧ દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. મોદી જુદા જુદા લોકો સાથે વિડિયો કોન્ફરન્સિંગ મારફતે ચર્ચા કરી રહ્યા છે. આમા મેડિકલ, મિડિયા, સમાજ સેવા, બિઝનેસ સહિત અન્ય વર્ગો સામેલ છે.

(7:51 pm IST)