Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

તાળીઓ પાડીને કે દીવા પ્રગટાવીને કોરોના સામેનો જંગ નહીં જીતી શકાયઃ શિવસેના

મુંબઇ તા. ૮: શિવસેનાએ મંગળવારે જણાવ્યું હતું કે, કોરોના વાયરસ સામેની લડાઇ થાળીઓ વગાડીને, તાળીઓ પાડીને કે દીવા પ્રગટાવીને નહીં જીતી શકાય.

લોકોને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ વિશે 'ગેરસમજ' થઇ હતી, એમ સેનાના મુખપત્ર 'સામના'ના તંત્રીલેખમાં જણાવવામાં આવ્યું હતું અને ઉમેરવામાં આવ્યું હતું કે મોદીએ એ સ્પષ્ટપણે જણાવવું જોઇએ કે તેઓ નાગરિકો પાસેથી શું અપેક્ષા રાખે છે અને આદેશનું પાલન ન કરનાર લોકોને સજા કરવી જોઇએ.

મોદીએ દેશવ્યાપી લોકડાઉનને પગલે ગયા અઠવાડિયે લોકોને રવિવારે રાત્રે ૯ વાગ્યે ૯ મિનિટ સુધી તેમનાં ઘરોની લાઇટ બંધ કરવાની અપીલ કરી હતી. દેશભરના લોકોએ આ અપીલનો ઉત્સાહપૂર્વક પ્રતિસાદ આપીને તેમના ઘરની બાલ્કનીમાં દીવા અને મીણબત્તી પ્રગટાવ્યાં હતાં અને તેમના મોબાઇલ ફોનની ટોર્ચ ચાલુ કરી હતી. અગાઉ મોદીએ બાવીસમી માર્ચે લોકોને જનતા કરફયુનું પાલન કરવાની અને કોરોના વાયરસ સામે લડી રહેલા મુખ્ય સેવા પૂરી પાડનારાઓનો જુસ્સો વધારવા માટે તથા તેમને બિરદાવવા માટે ઘરની બાલ્કનીમાંથી થાળીઓ અને શંખ વગાડવાની હાકલ કરી હતી.

(11:42 am IST)