Gujarati News

Gujarati News

News of Monday, 8th April 2019

ઓડિશાના ૮૪ વર્ષના દાદા : ૩૨ વખત ચૂંટણી લડીને હાર્યા : ફરી ઉતર્યા મેદાને

વિજયની આશા ગુમાવી નથી

ભુવનેશ્વર તા. ૮ : ઓડિશાના તટવર્તી ગંજમ જિલ્લાના બેહરામપુરમાં રહેતા ૮૪ વર્ષના હોમિયોપેથ શ્યામ બાબુ સુબુધીએ લોકસભાની ચૂંટણીમાં આસ્કા અને બેહરામપુર બેઠક પરથી ચૂંટણીમાં ઝુકાવ્યું છે. નવાઈની વાત છે કે લોકસભા, રાજયસભા અને વિધાનસભાની કુલ ૩૨ વાર ચૂંટણી લડી ચૂકેલા સુબુધીને હજી સુધી વિજય મળ્યો નથી, તે છતાં તેમણે વિજયની આશા ગુમાવી નથી.

આટલા પરાજય છતાં હિંમત નહીં ગુમાવનારા સુબુધીએ કહ્યું હતું કે હું ૧૯૬૨થી ચૂંટણી લડી રહ્યો છું. મેં રાજય વિધાનસભાની અને લોકસભાની ચૂંટણી લડી છે. રાજકીય પાર્ટીઓ મને ટિકિટ ઓફર કરે છે પણ હું અપક્ષ જ લડું છું. હું ભૂતપૂર્વ વડા પ્રધાન પી. વી. નરસિંહ રાવ અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બીજુ પટનાઇક સામે પણ ચૂંટણી લડી ચૂકયો છું. ૧૧ જૂને ઓડિશામાં રાજયસભાની ત્રણ ખાલી પડેલી બેઠકો માટે થનારી ચૂંટણીમાં પણ હું ઉતરવાનો છું.

પોતાના પ્રચાર વિશે બોલતાં તેમણે કહ્યું હતું કે આ વખતે મને બેટનું ચિહન મળ્યું છે. હું મારી જાતે જ ટ્રેન, બસ અને વિવિધ મારકેટોમાં ફરીને પ્રચાર કરું છું. જોકે હાલમાં ચૂંટણીમાં ભ્રષ્ટાચાર વધી ગયો છે. મારે એને દૂર કરવા માટે ચૂંટણી જીતવી છે.

એવું નથી કે સુબુધીને મત મળતા નથી. ૨૦૧૪માં આસ્કા લોકસભા બેઠક પર તેમને ૫૨૯૩ મત મલ્યા હતા જે કુલ મતદાનના ૦.૫૯ ટકા હતા. (૨૧.૪)

(10:01 am IST)