Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

સરકારે રૂ. ૩,૦૦૦ના પેન્શનને પાત્ર કામદારો - વ્યવસાયની યાદી જારી કરી

શ્રમ મંત્રાલયે ૧૨૭ પ્રકારના કામ અને વ્યવસાયની યાદી તૈયાર કરી

નવી દિલ્હી તા. ૮ : મોદી સરકારે તાજેતરમાં એક મહત્ત્વપૂર્ણ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનારને સરકારે દર મહિને રૂ. ૩,૦૦૦નું પેન્શન આપવાની જાહેરાત કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે આ યોજના શરૂ કરી હતી અને આ માટે હવે લોકોએ રજિસ્ટ્રેશન પણ કરાવવાનું શરૂ કરી દીધું છે. ગુરુવારે શ્રમ મંત્રાલયે ૧૨૭ પ્રકારનાં કામ અને વ્યવસાયની એક યાદી જાહેર કરી દીધી છે. આ ૧૨૭ પ્રકારનાં કામને અસંગઠિત ક્ષેત્ર હેઠળ ગણીને તેમને પેન્શન યોજનાનો લાભ આપવામાં આવશે.

શ્રમ મંત્રાલયે જે ૧૨૭ કામ અને વ્યવસાયની યાદી જારી કરી છે તેમાં આંગણવાડી કાર્યકરો, બ્યુટિશિયન, બીડી કામદારો, સાઈકલ રિપેર કરનારા, પશુપાલન, આશા વર્કર્સ, ઓટોમોબાઈલ વર્કસ, બેકરી કામદારો, પશુપાલન, ઓડિયો-વિઝયુઅલ વકર્સ, લુહાર, નાવિક, બુક બાઈડિંગ કરનારા, કેબલ ટીવી ઓપરેશન, કેટરિંગ, કપડાં પ્રિન્ટિંગ, બાંધકામ ક્ષેત્રના કામદારો, કુરિયર સર્વિસ, ડેટા એન્ટ્રી ઓપરેટર્સ, મધ્યાહન ભોજન યોજના કામદાર, અખબાર વેચતા ફેરિયા, એનજીઓ સર્વિસ, રિક્ષાચાલક, સિકયોરિટી સર્વિસ, મોચી વગેરેનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત શ્રમ મંત્રાલય દ્વારા પેન્શન માટે પાત્ર જારી કરવામાં આવેલી યાદીમાં બંગડી બનાવનારા, ઈંટભઠ્ઠાના કર્મચારીઓ, બ્રશ બનાવનારા, બ્રેવરિઝ, ડિસ્ટિલરીઝ કામદાર, બલ્બ બનાવનારા, ઊંટગાડી ચલાવનારા, સુથાર, કાર્પેટના વણકર, ભરતગૂંથણ કરનારા, સિને સર્વિસ, કપડાં પ્રિન્ટિંગ, કોચિંગ સર્વિસ, કન્ફેકશનરી, ઘરગથ્થુ કામ કરનારા, ફટાકડા બનાવતા કામદારો, પગરખાં બનાવતા કામદારો, ફાઉન્ડરીના કામદારો, હેર ડ્રેસર્સ, પાપડ બનાવનારા વગેરેને પણ પેન્શનનો લાભ મળશે. શ્રમ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી યાદીમાં પેન્શન માટે પાત્ર અન્ય વ્યવસાયમાં સફાઈ કામદાર, સર્વિસ સ્ટેશન પર કામ કરનારા, દુકાનમાં કામ કરનારા, નાનાં કારખાનાંના કામદારો, સાબુ બનાવનારા, ટેલિફોન બૂથ પર કામ કરતા લોકો, ટ્રાન્સપોર્ટ સર્વિસીસના ડ્રાઈવર, કંડકટર, કલીનર, મિ સ્ત્રી, મિકેનિક અને વર્કશોપ કામદારો, તમાકુ પ્રોસેસિંગ કરનારા, રમકડાં બનાવનારા, વેલ્ડિંગનું કામ કરનારા, સ્ટીલનાં વાસણો બનાવનારા, ફિશરીઝ પ્રોડકશન કરાવનારા, ફ્રીઝ પ્રોસેસિંગ કરનારાઓ, અનાજ દળવાની ઘંટીમાં કામ કરનારા, ગ્લાસ વેર ઉત્પાદકો વગેરેનો પણ સમાવેશ થાય છે.

(4:11 pm IST)