Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

ભાજપના રાજમાં અનંત અંબાણીને બદ્રીનાથ - કેદારનાથ મંદિર કમિટિમાં સ્થાન મળ્યું

નવી દિલ્હી તા. ૮ : ઉત્તરાખંડમાં ભાજપ સરકારે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીની બદ્રીનાથ કેદારનાથ મંદિર કમિટીના મેમ્બર તરીકે પસંદગી કરી છે. મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે મંદિરના કમિટી મેમ્બર તરીકે અનંત અંબાણીની પસંદગી કરી છે. ચાર ધામની યાત્રામાં સમાવેશ થતા આ મંદિરની સમસ્ત દેખભાળ અને વહિવટ આ કમિટી કરે છે, જેમાં અનંત અંબાણીને સ્થાન મળ્યું છે.

નોંધનીય છે કે, અનંત અંબાણી મુકેશ અંબાણીના નાના દીકરા છે. ઉત્તરાખંડના આ મંદિરના દરવાજા લગભગ છ મહિના સુધી બંધ રહ્યા બાદ હવે ૯ મેના રોજ ફરીથી ખુલશે. અધિકારીઓએ મહાશિવરાત્રીના દિવસે આ અંગેની જાણકારી આપી હતી. મંદિરના દરવાજા ખોલવાની તારીખ અને સમયની જાહેરાત મહાશિવરાત્રીના પવિત્ર પ્રસંગ પર રુદ્રપ્રયાગ જિલ્લાના ઉખીમઠના ઓમકારેશ્વર મંદિરમાંથી કરવામાં આવી હતી.

પુજારીઓએ મંત્રોચ્ચારણ અને શંખના અવાજ વચ્ચે આ અંગેની જાહેરાત કરી હતી. બદ્રીનાથ-કેદારનાથ મંદિરના એક અધિકારીએ કહ્યું કે, 'કેદારનાથ મંદિર ૯ મેના રોજ સવારે ૫.૩૫ વાગ્યે ફરીથી ખુલી જશે.' કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમનોત્રી, જેમને સામૂહિક રૂપથી ચારધામ કહેવામાં આવે છે. દર વર્ષે ઓકટોબર-નવેમ્બરમાં મંદિર બંધ થઈ જાય છે અને લગભગ છ મહીના બાદ એપ્રિલ-મેમાં ફરીથી ખોલવામાં આવે છે.

(11:44 am IST)