Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

સ્યુસાઇડર બોંબની આઇબી ઇનપુટના પગલે કેન્દ્ર પાસેથી વધુ અર્ધ લશ્કરી દળ મંગાશે

ચૂંટણીઓ ભલે ગમે ત્યારે જાહેર થાય, પોલીસ તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે : સંવેદનશીલ-અતિ સંવેદનશીલ મતદાન મથકો માટેની વિશિષ્ટ વ્યવસ્થા સાથે કેન્દ્ર સાથે સંકલન માટે નોડલ ઓફીસર નિમવાની પણ પ્રક્રિયા શરૂ

રાજકોટ, તા., ૮: લોકસભાની ચુંટણીઓ ગમે ત્યારે જાહેર થઇ જશે, રાજકીય પક્ષો પણ જાણે ચુંટણી જાહેર થઇ હોય તે રીતે સક્રિય બનવા માંડયા છે. પોલીટીશ્યનોની માફક પોલીસ તંત્ર પણ તૈયારીઓમાં પાછળ નથી. કાશ્મીરના પુલવામામાં સીઆરપી જવાનો પર આતંકવાદી હુમલો, ભારત દ્વારા વળતી એર સ્ટ્રાઇક બાદ કેન્દ્રીય ઇન્ટેલીજન્સ બ્યુરો દ્વારા ગુજરાતમાં સ્યુસાઇડર બોંબ ઘુસવાની દહેશત વ્યકત કરવાના પગલે ચુંટણીઓ લોહીયાળ ન બને તે માટે કેન્દ્ર પાસેથી આ વખતે વધુ અર્ધલશ્કરી દળની માંગણી થયાનું ટોચના પોલીસ સુત્રોએ અકિલાને જણાવ્યું છે.

ઉચ્ચ પોલીસ વર્તુળોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ રાજયભરની પોલીસ દ્વારા અને ખાસ કરીને તેની સ્પેશ્યલ બ્રાન્ચ દ્વારા સંવેદનશીલ-અતિ સંવેદનશીલ મતદાન મથકો અલગ તારવવા સાથે કેન્દ્ર સાથે ચુંટણી દરમિયાન ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા નોડલ ઓફીસરની નિમણુંકની કાર્યવાહી પુર્ણ થઇ છે. તેની સતાવાર જાહેરાત ટુંક સમયમાં કરવામાં આવશે.

જમ્મુના બસ સ્ટેન્ડ પર આતંકવાદીઓ દ્વારા સામાન્ય રીતે પ્રવાસીઓ પર ન થતો  હુમલો થયો તેના કારણે દેશમાં જયારે લોકશાહીના અભુતપુર્વ પર્વ સમા ચુંટણીનો પ્રસંગ છે અને મહાનુભાવોની આવન-જાવન મોટા પાયે રહેવાની છે તેવા સંજોગોમાં ઉગ્રવાદીઓ કોઇ અડપલું કરવા માટે દાઢ ન ડળકે તે માટેની સાવધાની રૂપે સ્થાનીક પોલીસની મદદમાં અર્ધ લશ્કરી દળોની ટુકડીઓ વધુને વધુ સામેલ થાય તેવું ખુબ જ આવશ્યક હોવાનું રાજય પોલીસ તંત્રના સિનીયર અધિકારીઓ દ્રઢતા પુર્વક માની રહયા છે.

એક તરફ ચુંટણીઓનો અને વીઆઇપીઓના બંદોબસ્તમાં રોકાયેલી પોલીસનું ધ્યાન બીજી તરફ ન હટે તે માટે ગુજરાતના સુપ્રસિધ્ધ અને લોકોની આસ્થાના પ્રતિક સમા  યાત્રાધામો તથા વિવિધ ઉદ્યોગગૃહો, દરીયાઇ કાંઠા અને સરહદી વિસ્તારોમાં પુરતી ચોકસાઇ રહે તે માટે પોલીસે પુરતી તૈયારીઓ કરી છે. આમ ચુંટણીઓ ભલે ગમે ત્યારે જાહેર થાય પોલીટીશ્યનો માફક પોલીસ તંત્ર પણ સજ્જ થઇ ગયું છે.

(11:43 am IST)