Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

તુર્કીમાં જોરદાર ભૂકંપથી તબાહી બાદ એક બંદરમાં ભીષણ આગ ભભૂકી :અનેક જહાજને ડાયવર્ટ કરાયા

ઇસ્કેન્ડરન બંદર ગાઝિયાંટેપથી દક્ષિણ-પશ્ચિમમાં લગભગ 112 કિમી દૂર: બંદર ઉપર કાળા ધુમાડાના વાદળો : અનેક કન્ટેનર આગની ઝપટે

તુર્કીમાં ભૂકંપથી સર્જાયેલી તબાહી બાદ એક બંદરમાં ભીષણ આગના કારણે મુશ્કેલીઓ વધી ગઈ છે. જોરદાર જ્વાળાઓ જોઈને ત્યાંથી પસાર થતા અનેક જહાજોને ડાયવર્ટ કરવા પડ્યા હતા. ઇસ્કેન્ડરન બંદર ગાઝિયાંટેપથી દક્ષિણ-પશ્ચિમમાં લગભગ 112 કિમી દૂર આવેલું છે જ્યાં આગ લાગી હતી. રિપોર્ટ અનુસાર, આગની આ ઘટના સોમવારે બની હતી, જે હજુ સુધી સંપૂર્ણ રીતે કાબૂમાં નથી આવી શકી. ઘટનાસ્થળેથી ઘણી તસવીરો સામે આવી છે, જેમાં બંદર ઉપર કાળા ધુમાડાના વાદળો  જોવા મળી રહ્યા છે. તસવીરો દર્શાવે છે કે આગ કેટલાય કન્ટેનરમાં લાગી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભૂકંપના જોરદાર આંચકાના કારણે શિપિંગ કન્ટેનર પડી ગયા અને બંદર પર આગ લાગી. કાળો ધુમાડો અને પેટ્રોલની ગંધ હજી પણ બંદરની આસપાસ હવામાં લટકતી હતી. ફાયર બ્રિગેડની અનેક ટીમો આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરી રહી છે. જો કે ક્યાં સુધી સ્થિતિ સામાન્ય થશે તે દાવા સાથે કહી શકાય તેમ નથી. અકસ્માતના કારણે જહાજોને તુર્કીના અન્ય બંદરો પર મોકલવામાં આવી રહ્યા છે. કેટલાક જહાજો ઇજિપ્તના પોર્ટ સૈદ તરફ પણ મોકલવામાં આવ્યા છે

(12:41 am IST)