Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

રાફેલના મુદ્દે સંગ્રામ : કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના આક્ષેપ ખોટા હોવાનો ફરી દાવો

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને કોંગ્રેસ વિદેશી તાકાતોના ઇશારે કામ કરે છે : સંરક્ષણમંત્રી નિર્મલા સીતારામન : દેશ અને સેનાને નુકસાન પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનો સીતારામનો દાવો : રાફેલના મુદ્દે ફરીવાર સંસદ અને સંસદની બહાર હોબાળો

નવીદિલ્હી, તા. ૮ : રાફેલ ડિલને લઇને અખબારમાં પ્રકાશિત અહેવાલ મુદ્દે જોરદાર હોબાળો થઇ ગયો છે. આજે આની ગુંજ લોકસભા અને લોકસભાની બહાર જોવા મળી હતી. એકબાજુ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ સવારે જ પત્રકાર પરિષદ યોજીને આ અહેવાલને ટાંકીને મોદી સરકાર ઉપર પ્રહાર કર્યા હતા. બીજી બાજુ ગૃહમાં સંરક્ષણમંત્રી નિર્મલા સીતારામને કહ્યું હતું કે, આ સમગ્ર મામલો અધુરો પ્રકાશિત કરવામાં આવ્યો છે. અખબાર પૂર્ણ માહિતી રજૂ કરે તે જરૂરી છે. રાહુલ ગાંધીના આક્ષેપો આધાર વગરના છે. અંગ્રેજી અખબારને પૂર્ણ માહિતી રજૂ કરવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. આ સંદર્ભમાં સંરક્ષણ મંત્રાલય તરફથી આ સમાંતર વાતચીત પર વાંધો ઉઠાવવામાં આવ્યો હતો અને ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી હતી. રાહુલ ગાંધીના આક્ષેપ બાદ નિર્મલા સીતારામને સંસદમાં રિપોર્ટ ઉપર પ્રશ્નો ઉઠાવ્યા હતા અને આને એક પક્ષીય તરીકે ગણાવીને વિગતો રજૂ કરવા માટે પડકાર ફેંક્યો હતો. સંરક્ષણ મંત્રીએ કહ્યું હતું કે, નોટિંગ નીચે તત્કાલિન સંરક્ષણમંત્રી મનોહર પારીકરે જવાબ આપ્યો હતો જેમાં અખબારે એક પક્ષીય રિપોર્ટ રજૂ કરીને પારીકરનો જવાબ રજૂ કર્યો નથી. અગ્રણી અંગ્રેજી અખબાર હિન્દુમાં પ્રકાશિત અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ભારત અને ફ્રાંસ વચ્ચે રાફેલના સોદાબાજીમાં સંરક્ષણ મંત્રાલયના સમાંતર પીએમઓ પણ વાતચીતમાં વ્યસ્ત હતું. અખબારે તત્કાલિન સંરક્ષણ સચિવ મોહન કુમારના એક નોટિંગને ટાંકીને આ મુજબની વાત કરવામાં આવી છે. સંરક્ષણ સચિવે મનોહર પારીકર સમક્ષ ચિંતા પણ વ્યક્ત કરી હતી. સરકારનું કહેવું છે કે, અખબારે સંરક્ષણ સચિવની ચિંતા પ્રકાશિત કરી છે પરંતુ તેની નીચે લખેલા પારીકરના જવાબને વાંચ્યો નથી જેમાં સાફ શબ્દોમાં કહ્યું હતું કે, કોઇપણ ગેરરીતિ નથી. સંસદમાં સરકાર તરફથી સીતારામને ફરીવાર જવાબ આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે, અખબારમાં અધુરી માહિતી આપવામાં આવી છે. સંરક્ષણ મંત્રીના જવાબને પણ પ્રકાશિત કરવાની જરૂર હતી. કોંગ્રેસી વિદેશી તાકાતોના હાથમાં રમત રમી રહ્યા છે અને દેશને નુકસાન પહોંચાડી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, તેઓ તેમના અશ્વને લઇને ચર્ચા કરી રહ્યા છે. ભારતની વાયુસેનાની મજબૂતી ઇચ્છતા નથી.

કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, યુપીએ સરકારના ગાળા દરમિયાન એનએસીની રચના કરવામાં આવી હતી જેના અધ્યક્ષ સોનિયા ગાંધી હતા. પીએમઓમાં તેમની કેટલી દરમિયાનગીરી હતી તેનો જવાબ કોંગ્રેસ આપે તે પણ જરૂરી છે. એનએસી એકરીતે પીએમઓને ચલાવી રહ્યા હતા.

 

(7:51 pm IST)