Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

ટાટા મોટર્સની ૨૭ હજાર કરોડની જંગી ખોટઃ શેરની કિંમતમાં તોતિંગ ફટકો પડયો

જગુઆરે ટાટાને નફામાંથી ખોટમાં ધકેલી દીધીઃ બજાર ખુલતા જ શેરમાં ૧૭ ટકાનો કડાકો નોંધાયો

નવી દિલ્હી, તા.૮: ટાટા મોટર્સને ૨૦૧૮ના ડિસેમ્બર ત્રિમાસીક કવાર્ટરમાં રૂ. ૨૬,૯૬૧ કરોડ રુપિયાનું નુકસાન થયું છે. જે અત્યાર સુધીની સૌથી મોટી ત્રિમાસિક ખોટ છે. ટાટા મોટર્સ માટે આ સળંગ ત્રીજા કવાર્ટરમાં ખોટ છે. ઉલ્લેખનીય છે કે એક સમયે જબરજસ્ત નફામાં રહેતી ટાટા મોટર્સની આ ખોટ પાછળ કંપનીએ એકવાયર કરેલી જેગુઆર લેન્ડ રોવર જવાબદાર છે. જેગુઆર હવે ટાટા મોટર્સ હસ્તકની બ્રિટિશ કંપની છે. કંપનીના રેવન્યુમાં તેનો ભાગ ૭૨% જેટલો છે પરંતુ ચીનમાં વેચાણ ઘટતા તેમજ બ્રેગ્ઝિટની અનિશ્ચિતતાઓનો કારણે જેગુઆર સંકટ હજુ પણ ઘેરુ બની રહ્યું છે. જયારે મહત્વપૂર્ણ છે કે ૨૦૧૭માં ડિસેમ્બર કવાર્ટરમાં કંપનીએ ૧,૨૧૪ કરોડ રુપિયાનો નફો નોંધાવ્યો હતો. નબળું પરિણામ આવતા ટાટા મોટર્સના શેરમાં આજે ભારે કડાકો બોલ્યો હતો.

આજે માર્કેટ ખુલતા ટાટા મોટર્સનો શેર ૧૭% જેટલા ઘટાડા સાથે ૩૨ રુપિયા તુટી ગયો હતો. જે બાદ શેરના ભાવમાં સ્થિરતા જોવા મળી હતી. ૨૦૧૮ના ૧૨ મહિના પૈકી ૮ મહિનામાં જેગુઆરની લકઝરી કારના વેચાણમાં સતત ઘટોડો નોંધાયો છે. જુલાઈથી ડિસેમ્બરના ગાળામાં કંપનીનું વેચાણ સતત ઘટયું છે. ટાટા મોટર્સે કહ્યું કે, 'તેમના નફામાં જેગુઆરી લેનડ રોવરમાં ૨૭,૮૩૮ કરોડ રુપિયાની ખોટની અસર જોવા મળી છે.' કંપનીએ જણાવ્યું કે, આ કવાર્ટરમાં તેમનો રેવન્યુ ૪.૩૬્રુ વધીને ગત વર્ષના સમાન કવાર્ટર દરમિયાન ૭૪,૩૩૭.૭૦ કરોડ રેવન્યુની સરખામણીએ આ વર્ષે ૭૭,૫૮૨.૭૧ રુપિયા રેવન્યું નોંધાય છે. જયારે ઓપરેટિંગ પ્રોફિટ ૨૦% જેટલો ઘટીને ૬,૩૮૧ કરોડ જેટલો થઈ ગયો છે. જેગુઆર લેન્ડ રોવરનો રેવન્યુ ગત વર્ષે એક ટકા જેટલો ઘટી ૬.૨ અબજ પાઉન્ડ પર આવી ગયો હતો. કંપની મુજબ આ પાછળ ચીનમાં વેચાણ ઘટવા ઉપરાંત ટેકનોલોજીકલ સમસ્યાઓ અને લોન મોંઘી થવા જેવા અનેક પરિબળો જવાબદાર છે. તેમજ નાણાકીય સ્થિતિ જોતા જેગુઆર લેન્ડ રોવરે નક્કી કર્યું છે કે મૂડી રોકાણને ઓછું કરવામાં આવે. જેના કારણે પણ આ કવાર્ટરમાં ૩.૪ અબજ પાઉન્ડનું નુકસાન થયું છે.(૨૩.૧૩)

 

(3:41 pm IST)