Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

વાડ્રા - ચિદમ્બરમ્ કોઇ પણની તપાસ કરો, પરંતુ રાફેલ અંગે પણ જવાબ આપો

રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં મોદી પર મૂકયા ભ્રષ્ટાચારના આરોપોઃ ચોકીદાર ચોર છે, ૩૦,૦૦૦ કરોડની ચોરી કરી : નેગોશિએશનમાં પીએમએ નિભાવી ભૂમિકા : રાહુલ ગાંધી

નવી દિલ્હી તા. ૮ : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદીના સંસદમાં ભાષણ બાદ સવાર પડતા જ પત્રકાર પરિષદ કરી પ્રહારો કર્યા. રાહુલે ફરી એકવખત રાફેલમાં થયેલા ભ્રષ્ટાચારનો આરોપ મૂકયો અને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આ ડીલમાં ચોરી કરી છે. રોબર્ટ વાડ્રા (રાહુલ ગાંધીના જીજાજી) અને પી.ચિદમ્બરમની તપાસ ચાલી રહી છે તેના પર તેમણે કહ્યું કે જેના પર જેટલી ચાહો તેટલી તપાસ કરાવો, અમને કોઇ આપત્તિ નથી. તત્કાલીન ડિફેન્સ સેક્રેટરીએ પણ તાત્કાલિક સફાઇ આપતા કહ્યું કે જે પણ મીડિયા રિપોર્ટ પ્રકાશિત થયો છે તેની સાથે રાફેલ ડીલના ભાવ સાથે કોઇ લેવા-દેવા નહોતી.

પીએમ નરેન્દ્ર મોદીના ભાષણ બાદ રાહુલ ગાંધીએ ફરી રાફેલ મુદ્દામાં થયેલા ભ્રષ્ટાચારનો દાવો કર્યો. તેમણે કહ્યું કે અમે એક વર્ષ પહેલેથી જ કહી રહ્યા છીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાફેલ ગોટાળામાં સામેલ છે. આજે એક અંગ્રેજી અખબારમાં પણ લખ્યું છે કે વડાપ્રધાન નેગોશિએશનમાં સીધી ભૂમિકા નિભાવી રહ્યા હતા. આ દેશની સેનાના યુવાનોને સીધું કહું છું કે તમે અમારી રક્ષા કરો છો અમારા માટે લડો છો અને અમારા માટે જીવ આપી દો છો. પ્રધાનમંત્રી એ ૩૦૦૦૦ કરોડ રૂપિયાનો ગોટાળો કર્યો અને તેણે પોતાના મિત્ર અનિલ અંબાણીના ખિસ્સામાં નાંખ્યા.

રાહુલ ગાંધી એ રાફેલ ડીલ પર દેશને ગુમરાહ કરવાનો આરોપ મૂકયો. તેમણે કહ્યું કે મારી ઘણી પત્રકાર પરિષદો થઇ. નિર્મલા સીતારમણે જુઠ્ઠું બોલ્યા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જુઠ્ઠું બોલ્યા. દોઢ કલાક મારી સાથે વાતચીત કરી અને જુઠ્ઠું બોલ્યા. ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ઓલાંદજી એ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી જી એ ડાયરેકટ કહ્યું હતું કે અનિલ અંબાણીને કોન્ટ્રાકટ મળવો જોઇએ.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અંગ્રેજી અખબારમાં છપાયેલા રિપોર્ટનો હવાલો આપતા કહ્યું કે ડિફેન્સ મિનિસ્ટ્રી એ તાકીદ કરી હતી કે પીએમઓના સામેલ થવા પર ડીલના નેગોશિએન અસર પડી શકે છે, છતાંય પીએમ સામેલ થયા. રાહુલે અંબાણીની કંપનીને કોન્ટ્રાકટ આપવાના કોર્પોરેટ વોરના પ્રશ્ન પર કહ્યું કે કોર્પોરેટ વોર હતું, પરંતુ નરેન્દ્ર મોદી એ અનિલ અંબાણી માટે નેગોશિએશન કર્યું.

પીએમ મોદી એ ગઇકાલે પોતાના ભાષણમાં ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટે કહેતા હતા. તેના પર પ્રહારો કરતાં કહ્યું કે મને લાગે છે કે તેઓ બેવડા વ્યકિતત્વના સીજોફ્રેનિયા છે. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે તેમની બે પર્સનાલિટી છે એક સમયમાં ચોર અને એક સમયમાં ચોકીદાર બની જાય છે. તે પોતાને ચોર ચોકીદાર બંનેને બતાવી રહ્યાં છે.(૨૧.૨૧)

(2:28 pm IST)