Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

કર્ણાટકની જેડીએસ-કોંગી સરકાર ઉપર સતત ખતરોઃ ૧૩ ધારાસભ્યો ગુમ

કોંગ્રેસના ૧૦ અને ૨ અપક્ષ છેઃ ભાજપનું ઓપરેશન લોટસ હજુયે ચાલુ?

નવી દિલ્હીઃ કર્ણાટકમાં ફરી રાજકીય ઘમસાણ ચાલુ થયું છે. કોંગ્રેસ-જેડી (એસ) ગઠબંધન સરકાર પોતાના ૧૩ ધારાસભ્યને લઇને અસમંજસની સ્થિતિમાં છે, જેમાં કોંગ્રેસના ૧૦ અને બે અપક્ષ ધારાસભ્યનો સમાવેશ થાય છે. આ ધારાસભ્યો બજેટસત્રના બીજા દિવસે પણ સતત ગાયબ રહ્યા છે. સરકારને ડર છે કે આ ધારાસભ્યોની ગેરહાજરી ભાજપના ઓપરેશન લોટસની સફળતાનો સંકેત તો આપતી નથી ને?

મુંબઇમાં ભાજપ સૂત્રોના જણાવ્યા અનુસાર ગાયબ ધારાસભ્યોમાંથી ૧ર આ સપ્તાહની શરૂઆત સાથે ૧૩માંથી ૬ પવૈઇ સ્થિત રેનેસા હોટલ અને બાકીના ધારાસભ્યો સાંતાક્રૂઝની હોટલ સહારા પ્લાઝામાં છે. માહિતગાર મહારાષ્ટ્ર ભાજપના એક કેબિનેટ પ્રધાને પણ આ અટકળોને સમર્થન આપ્યું છે.

જોકે હજુ ઓછામાં ઓછા ૧૬ ધારાસભ્ય ભાજપની સાથે નહીં આવે તો કર્ણાટક સરકાર ઊથલાવવાનું નિષ્ફળ જશે. ભાજપના એક નેતાએ જણાવ્યું છે કે આ ઓપરેશન ગુપ્તપણે હાથ ધરવાનું હતું, પરંતુ ભાજપના શહેર એકમે ગરબડ કરી નાખી છે. પક્ષના આંતરકલહના કારણે અમારા પ્લાનને નુકસાન પહોંચ્યું છે.

જો ઓપરેશન લોટસ નિષ્ફળ જશે તો ભાજપને કોઇ ગંભીરતાથી લેશે નહીં. એક અન્ય નેતાએ જણાવ્યું હતું કે ભૂતપૂૂર્વ મુખ્યપ્રધાન બીએસ યેદિયુરપ્પાના પુત્ર બી.વાય.વિજયેન્દ્ર પણ ગુરુવારે મુંબઇમાં હતા. ગયા મહિને પણ ભાજપે કર્ણાટક સરકાર ઊથલાવવાની કોશિશ કરી હતી.

એ વખતે પક્ષના મુંબઇ યુનિટને બાગી કોંગ્રેસ ધારાસભ્યોને રાખવાની જવાબદારી સોંપવામાં આવી હતી, પરંતુ  ભાજપનું આ ઓપરેશન સદંતર નિષ્ફળ ગયું હતું અને ત્યાર બાદ ધારાસભ્ય પ્રસાદ લાડને આ ઓપરેશન સોંપવામાં આવ્યું છે કે જેઓ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસના ખાસ વિશ્વાસુ હોવાનું જાણવા મળ્યું છે. ઙ્ગ(૪૦.૬)

(2:28 pm IST)