Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

યુપીમાં ગઠબંધન છતાં મોદીની લોકપ્રિયતા યથાવત

જો કે ચૂંટણીમાં ૩ મુદ્દા મહત્વનાઃ મતદારોનો ટ્રેન્ડ, હિંદુ મતદારોનું ધ્રુવીકરણ અને અર્થતંત્રને લઇને ગ્રામિણોમં બેચેની : ભાજપને ૨૦૧૪નું પરિણામ દોહરાવવા ઘણી મહેનત કરવી પડશે

નવી દિલ્હી તા.૮: લોકસભા ચૂંટણીના ગરમાવા વચ્ચે બધાની નજર ઉત્તર પ્રદેશ પર છે. લગભગ ૨૩ કરોડની વસ્તીવાળા આ રાજ્યમાં લોકસભાની ૮૦ બેઠકો છે. ચોક્કસપણે કોઇપણ માટે આટલી બેઠકો તેના ભાવિ નક્કી કરશે. ભાજપા સામે વધી રહેલી નારાજગી છતાં પણ રાજ્યમાં મોદીની લોકપ્રિયતા એવી ને એવી છે. જયારે ચૂંટણી પહેલાં જ થયેલા જોડાણથી સપા-બસપા બહુ ઉત્સાહિત છે. પ્રિયંકા ગાંધીના રાજકારણમાં પ્રવેશથી કોંગ્રેસ પણ ઉત્સાહ સભર છે. જો કે અત્યારથી કોઇ ભવિષ્યવાણી કરવી મુશ્કેલ છે.

૨૦૧૪માં ભાજપાને અહીં ૮૦ માંથી ૭૧ બેઠકો મળી હતી અને સાથી પક્ષોને ર બેઠકો મળી હતી. ગઇ લોકસભામાં ભાજપાને જેટલી બેઠકો મળી હતી તેના રપ ટકા ઉત્તર પ્રદેશની હતી. પણ ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપા માટે પાછલી સફળતા ફરી મેળવવી એ મોટો પડકાર બનશે. જો તેને ગઇ વખતનો આંકડો નહીં મળે તો બહુમતી હાંસલ કરવા માટે સંઘર્ષ કરવો પડશે.

આ વખતની ચૂંટણીમાં ત્રણ મુદ્દા મહત્વપૂર્ણ બનશે. મતદારોનું વલણ, હિંદુ મતોનું ધ્રુવીકરણ અને અર્થવ્યવસ્થા અંગે ગ્રામ્ય વિસ્તારોમાં બેચેની. ૨૦૧૪માં ભાજપા એ આ સમીકરણ યોગ્ય રીતે ગોઠવ્યું હતું.

ઉત્સાહ વધારવાની જરૂરીયાત

૨૦૧૯માં ભાજપાની સફળતાનો આધાર તે પોતાના ટેકેદારોને જાળવી  રાખે છે કે નહીં અને કેટલા મતદારો મતદાન કેન્દ્ર સુધી પહોંચે છે તેના પર રહેશે. એવું જોવામાં આવ્યું છે કે જે વિસ્તારમાં વધારે મતદાન થયું, ખાસ કરીને મહિલા મતદારો, ત્યાં ભાજપાનો દેખાવ સારો રહયો. યુવા મતદારોની પણ તેને સારી મદદ મળી હતી.

હિંદુ મતોનું ધ્રુવીકરણ

ચૂંટણીમાં જાતિ અને ધર્મની અસર થાય જ છે. પરંપરાગત રીતે ઉચ્ચ જાતિઓનો પક્ષ ગણાતો ભાજપા છેલ્લા વર્ષોમાં બીજી જાતિઓમાં પ્રસરી શકયો છે. ૨૦૧૪માં તે મોટા પાયે ઓબીસી અને દલિત મતદારોને પોતાની તરફ ખેંચવામાં સફળ રહયો હતો. એક અનુમાન અનુસાર ભાજપાના ૨૦૧૪ના પ્રદર્શનમાં હિંદુ-મુસ્લિમ મતોની મહત્વપૂર્ણ ભૂમિકા હતી. પણ હવે ભાજપા માટે દલિતોના સમર્થનમાં ઘટાડાના સંકેતો છે. તેની અસર હિંદુ મતોના ધ્રુવીકરણ પર પડી શકે છે.

ગ્રામીણોની બેહાલી

ઉત્તર પ્રદેશની ૭૮ ટકા વસ્તી ગ્રામીણ છે. જે ભાજપા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. જાણકારોનું માનએ તો ખેડૂતોની નારાજગીના કારણે જ ભાજપાને રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં સત્તા ગુમાવવી પડી. આ મુદ્દો ઉત્તર પ્રદેશમાં પણ મહત્વપૂર્ણ બનશે.(૧.૪)

(12:11 pm IST)