Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

કોંગ્રેસની કારોબારી ગુજરાતમાં? જબરી ચર્ચા

જો કારોબારી યોજાય તો સોનિયા, મનમોહન સહિત ૫૧ ટોચના કોંગી નેતાઓ ગુજરાત આવશે

નવી દિલ્હી તા. ૮ : રાહુલ ગાંધી આગામી ૧૪મી ફેબ્રુઆરીના વેલેન્ટાઈન ડેએ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના લાલ ડુંગરી ખાતે જાહેર સભા ગજવવા આવી રહ્યા છે ત્યારે એ જ અરસામાં વલસાડમાં જ કોંગ્રેસની સૌથી મહત્ત્વની કોંગ્રેસ વર્કિંગ કમિટી (સીડબ્લ્યુસી)ની મિટિંગ ગુજરાતમાં મળે તેવી શકયતા છે.

લોકસભા ચૂંટણીને લઈ ગુજરાતમાં સીડબ્લ્યુસીની મિટિંગનું આયોજન થઈ રહ્યું છે, જો ગુજરાતમાં આ બેઠક મળે તો રાહુલ ગાંધીની સાથે પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ સહિતના ૫૧ મહાનુભાવો ગુજરાત આવશે.

આગામી લોકસભાની ચૂંટણીને લઈ આગેવાનો સાથે વિચાર-વિમર્શ કરવા તેમજ દેશમાં સંગઠનના કાર્યક્રમો- આગામી ચોક્કસ રણનીતિ ઘડવા માટે કોંગ્રેસે મહત્ત્વની મિટિંગ બોલાવી છે. રાષ્ટ્રીય કોંગ્રેસમાં કોઈ પણ નિર્ણય લેવાની સર્વોચ્ચ સત્તા ધરાવતી આ કમિટીમાં કુલ ૫૧ સભ્યોનો સમાવેશ થાય છે.

ગુજરાતમાંથી સાંસદ એહમદ પટેલ સહિત ત્રણનો સમાવેશ આ કમિટીમાં થાય છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ રાહુલના વડપણમાં મહારાષ્ટ્ર બાદ આ બીજી બેઠક ગુજરાતમાં મળે તેવો વર્તારો છે. ઉલ્લેખનીય છે કે, વલસાડમાં વર્ષ ૧૯૮૦માં ઈન્દિરા ગાંધી, ૧૯૮૫માં રાજીવ ગાંધી અને ૨૦૦૪માં સોનિયા ગાંધીએ સભાઓ ગજવી હતી, હવે રાહુલ ગાંધી આ સ્થળે સભા યોજશે.

ગુજરાત કોંગ્રેસમાં ઉમેદવાર પસંદગી સહિતની વિવિધ બાબતો અંગેના ત્રણ સર્વે હાઈકમાન્ડે કરાવ્યા હોવાનું સૂત્રો કહે છે. પ્રદેશ કોંગ્રેસની જાણ બહાર ખાનગી એજન્સીઓ પાસે ત્રણ અલગ અલગ સર્વે કરાવ્યા છે.(૨૧.૧૨)

(11:27 am IST)