Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

તિરૂપતિ મંદિરે ૧૪૩ ટન વાળની હરાજી કરી ૧૧.૧૭ કરોડની કમાણી કરી

સમગ્ર વિશ્વમાં ભકતો તિરૂપતિ મંદિરે દર્શને આવે છે અને અહીંયા મુંડન કરાવીને તેમના વાળનું દાન કરે છે

નવી દિલ્હી તા. ૮ : તિરૂપતિ મંદિરે ૧૪૩ ટન વાળાની હરાજી કરીને ૧૧.૧૭ કરોડ રૂપિયાની કમાણી કરી છે. જાન્યુઆરી મહિનામાં આ વાળની હરાજી કરવામાં આવી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા વાળની ઇ-હરાજી કરવામાં આવી હતી. ભકતો દ્વારા દાન કરવામાં આવેલા વાળનાં પાંચ ગ્રેડ પાડવામાં આવ્યા હતા જેમાં સફેદ વાળનો પણ સમાવેશ થાય છે. આ કેટેગરી વાળની લંબાઇનાં આધારે કરવામાં આવે છે.

પહેલી કેટેગરીમાં ૨૭ ઇંચ લાંબા વાળની હોય છે અને બીજી કેટેગરીમાં ૧૯ થી ૨૬ ઇંચ સુધી લાંબાવાળની હોય છે. મંદિર ટ્રસ્ટ દ્વારા જે વાળને હરાજીમાં મુકવામાં આવ્યા હતા તેમાં ૨૯૦૦ કિલો વાળ પ્રથમ કેટેગરીમાં આવતા હતા. બીજી કેટેગરીમાં આવતા ૩૧૦૦ કિલો વાળને પ્રતિ કિલોનાં ૧૭,૦૧૧નો ભાવ રાખવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર વિશ્વમાં ભકતો તિરૂપતિ મંદિર દર્શને આવે છે અને અહીંયા મુંડન કરાવીને તેમના વાળનું દાન કરે છે. આ પ્રાચિન મંદિર પર મૂંડન કરાવવું એ જુની પરંપરા છે. દર વર્ષે હજ્જારો કિલો વાળ આવી રીતે એકત્ર થાય છે.(૨૧.૧૨)

(11:26 am IST)