Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

સરકારે કરી સ્પષ્ટતા

રૂ. ૬૦૦૦ની યોજનાનો લાભ સાંસદ - ધારાસભ્યો - કરદાતાને નહિ

નવી દિલ્હી તા. ૮ : આવકવેરો ભરતા પરિવારો, સેવારત અથવા નિવૃત્ત સરકારી કર્મચારીઓ, હાલના અથવા ભૂતપૂર્વ સંસદ સભ્યો, ધારાસભ્યો અને પ્રધાનોને બજેટમાં જાહેર કરાયેલ નાના અને સિમાંત ખેડૂતો માટેની ૬૦૦૦ રૂપિયાની આવક સમર્થન યોજનાનો લાભ નહીં મળે.

નાણાપ્રધાન પીયુષ ગોયલે ૨૦૧૯-૨૦ના વચગાળાના બજેટમાં આ યોજનાની જાહેરાત કરી છે જેનો લાભ બે હેકટર સુધીની જમીન ખેડનાર ખેડૂતોને મળશે. આ યોજના હેઠળ નાના ખેડૂતોના ખાતામાં ૬૦૦૦ રૂપિયા ૩ હપ્તામાં જમા થશે. સરકારે આ અંગેના દિશા નિર્દેશો બહાર પાડતા કહ્યું છે કે, ડોકટરો, એન્જીનિયરો, વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો અને આર્કીટેકચરો તથા તેમના પરિવારના લોકો પણ આ યોજનાનો લાભ નહીં મેળવી શકે. દિશા નિર્દેશોમાં નાના અને સિમાંત ખેડૂતોને એવા ખેડૂત પરિવારમાં વ્યાખ્યીત કરાયા છે. જેમાં પતિ, પત્ની અને સગીર બાળકોની પાસે સંબંધિત રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશના જમીન રેકોર્ડ અનુસાર સામૂહિકરૂપે ખેતી યોગ્ય જમીન બે હેકટર અથવા તેનાથી ઓછી હોય. દિશા નિર્દેશમાં એમ પણ જણાવાયું છે કે, બે હેકટર અથવા તેનાથી ઓછી જમીન હોવા છતાં અમુક વર્ગના લોકોને આનો લાભ નહીં મળે. પહેલો હપ્તો મેળવવા માટે આધાર નંબરની જરૂર નથી પણ બીજા હપ્તાથી તે ફરજીયાત બનશે.(૨૧.૯)

(10:18 am IST)