Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

ચમત્કારની આશા ન રાખતી : બહેન પ્રિયંકાને રાહુલ ગાંધીની સલાહ

રાહુલે પાર્ટીના પદાધિકારીઓને ફેબ્રુઆરીના અંત સુધીમાં લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરી દેવાનો નિર્દેશ આપ્યો

નવી દિલ્હી તા. ૮ : લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે ગુરુવારે નવી દિલ્હીમાં એક બેઠક કરી હતી. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટીના મહાસચિવોને રાજય સ્તરે પાર્ટીને મજબૂત બનાવવાનું જણાવ્યું હતું.

બેઠક દરમિયાન ઉત્તર પ્રદેશ પર ધ્યાન કેન્દ્રીત કરતા કોંગ્રેસ અધ્યક્ષે રાજયના પ્રભારી બહેન પ્રિયંકા ગાંધી અને જયોતિરાદિત્ય સિંધિયાને 'બે મહિનામાં ચમત્કારની આશા રાખવાની' અને 'રાજ્યની ચૂંટણી પર ધ્યાન કેન્દ્રીત' કરવાનું કહ્યું હતું. બેઠકમાં તમામ પ્રભારીઓને 'મિશન મોડ'માં કામ કરવાનું કહેવામાં આવ્યું હતું. રાહુલે કહ્યું કે કોંગ્રેસે ભાગલાવાદી રાજનીતિ અને ધ્રુવિકરણથી લડવું પડશે.

પાર્ટીના પદાધિકારીઓને ફેબ્રુઆરીના અંત સુધીમાં લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરી દેવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. પાર્ટીના મુખ્ય કાર્યાલય ખાતે મળેલી બેઠકમાં રાહુલ ગાંધીએ વિવિધ પ્રભારીઓને કહ્યું કે, ઉમેદવારોની પસંદગીમાં નવા ચહેરાઓને પ્રાથમિકતા આપવામાં આવે.

પૂર્વ ઉત્તર પ્રદેશના પ્રભારીનો હોદ્દો સંભાળ્યા બાદ પ્રભારી તરીકે પ્રિયંકા ગાંધીએ AICCની બેઠકમાં પ્રથમ વખત ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે તેઓ ત્યાં સુધી શાંતિથી નહીં બેસે જયાં સુધી રાજયમાં કોંગ્રેસની વિચારધારાનો ઝંડો ઊંચો નહીં થાય. બેઠકમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, તેઓ કોંગ્રેસના અન્ય નેતાઓ સાથે મળીને ઉત્તર પ્રદેશમાં ભાગલાવાદી અને જાતિવાદી રાજનીતિને ખતમ કરવા માટે કામ કરશે.

બેઠક બાદ રાહુલ ગાંધીએ ટ્વિટર પર કહ્યું કે, 'હું આજે સાંજે AICC મુખ્યાલય ખાતે AICCના મહાસચિવો અને રાજયના પ્રભારીઓને મળ્યો હતો. અમે અનેક વિષયો પર ચર્ચા કરી હતી. ટીમ મેચ રમવા માટે તૈયાર છે, અમે ફ્રન્ટ ફૂટ પર રમીશું.'

કોંગ્રેસ (સંગઠન) મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યુ કે, 'રાહુલ ગાંધીએ પાર્ટીના નેતાઓને એ વાતનું ધ્યાન રાખવાનું કહ્યું કે ચૂંટણી નીતિ સાથે લડવામાં આવે, બીજેપીની જેમ નહીં.'

કેસી વેણુગોપાલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, બેઠકમાં રાહુલ ગાધીએ આ મહિનાના અંત સુધીમાં ઉમેદવારોની પસંદગી પૂર્ણ કરી દેવાની મુદત આપી છે. બેઠક દરમિયાન રાજયમાં ચૂંટણી અભિયાનની દેખરેખ માટે એક કેન્દ્રીય સ્તરની ટીમની જરૂરિયાત પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠક ત્રણ કલાક સુધી ચાલી હતી. બેઠક બહાર નીકળતા જયોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું કે, તમામ મહાસચિવો અને પ્રભારીઓએ પોતાના વિચારોની આપ-લે કરી હતી. બેઠકમાં કોંગ્રેસના અધ્યક્ષ તેમને પોતાની અપેક્ષા જણાવી હતી.(૨૧.૭)

 

(10:17 am IST)