Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

કલમ ૩૭૭ની સમીક્ષા કરવા માટે અંતે સુપ્રીમ કોર્ટ તૈયાર

બંધારણીય પીઠ દ્વારા મામલાની સુનાવણી કરાશે : સમગ્ર મામલામાં અરજીદારોની અરજી ઉપર સુનાવણી થઇ : જવાબ આપવા કેન્દ્ર સરકારને પણ આદેશ કરાયો

નવીદિલ્હી, તા. ૮ : સજાતિય અધિકારોના પક્ષમાં ઉભેલા લોકો માટે સોમવારના દિવસે સુપ્રીમ કોર્ટે રાહત આપી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કલમ ૩૭૭ પર પોતાના ચુકાદા પર ફરીથી વિચારણા કરવા માટેની તૈયારી દર્શાવી છે. અત્રે નોંધનીય છે કે, દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને ફેરવીને સુપ્રીમ કોર્ટે ૨૦૧૩માં ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો જેમાં સુપ્રીમ કોર્ટે સજાતિય લોકોના શારીરિક સંબંધોને ગેરકાયદે ઠેરવ્યા હતા. સુપ્રીમ કોર્ટની ત્રણ જજની બેંકે ઐતિહાસિક ચુકાદો આપતા કહ્યું હતું કે, બંધારણીય પીઠ આઈપીસીની કલમ ૩૭૭ હેઠળ સજાતિય સંબંધોને અપરાધ તરીકે ગણવા અંગેના ચુકાદા પર ફેરવિચારણા કરશે. સુપ્રીમ કોર્ટે પાંચ એલજીબીટી સમુદાયના લોકો તરફથી દાખલ કરવામાં આવેલી અરજી ઉપર સુનાવણી કરતી વેળા કેન્દ્ર સરકારને પણ આ મુદ્દે જવાબ આપવા માટે કહ્યું છે. અરજી કરનાર લોકોનું કહેવું છે કે, પોતાની સજાતિય ઓળખના કારણે તેમને ભયના માહોલમાં રહેવાની ફરજ પડે છે. સુપ્રીમ કોર્ટના ૨૦૧૩ના ચુકાદા ઉપર ક્યુરેટિવ અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં બંધારણીય અધિકારોને હવાલો આપવામાં આવ્યો હતો. પૂર્વ કેન્દ્રિયમંત્રી કપિલ સિબ્બલ અરજી કરનારના આ મામલામાં વકીલ તરીકે હતા. આ મામલામાં ૨૦૦૯માં દિલ્હી હાઈકોર્ટે સજાતિય બાબતોને અપરાધના વર્ગમાંથી દૂર કરવાનો ચુકાદો આપ્યો હતો. કેન્દ્ર સરકારે આના ઉપર અરજી દાખલ કર્યા બાદ સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી હતી. ત્યારપછી ડિસેમ્બર ૨૦૧૩માં સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો જેમાં હાઈકોર્ટના ચુકાદાને ઉથલાવી દેવામાં આવ્યો હતો અને સજાતિય સંબંધોને આઈપીસીની કલમ ૩૭૭ હેઠળ અપરાધ ઠેરવવાની વાત કરવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે, દેશભરમાં હાલ અનેક સંગઠન છે જે સજાતિય લોકોને સમાન અધિકાર અને ગૌરવ સાથે જીવન જીવવા માટેના અધિકાર માટે કામ કરે છે.

(7:38 pm IST)