Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

અમેરિકા પહોચ્યો 'ચપ્પલ ચોર પાકિસ્તાન'નો કિસ્સો

કુલભૂષણ મામલે થયું વિરોધ પ્રદર્શન

વોશીંગ્ટન તા.૮ : કુલભૂષણ જાધવે મળવા ઈસ્લામાબાદ ગયેલા તેમની માતા અને પત્ની સાથે થયેલા દુર્રવ્યવહારના વિરોધમાં અમેરિકામાં પાકિસ્તાની દૂતાવાસની બહાર પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ દરમિયાન ભારતીય, અફદ્યાની અને બલૂચ મળૂના પ્રદર્શનકારીઓએ પોતાના હાથમાં ચપ્પલ ચોર પાકિસ્તાનવાળા પોસ્ટર પકડી રાખ્યા હતા. હકીકતમાં, ઈસ્લામાબાદ જાધવને મળવા ગયેલા તેમની માતા અને પત્નીના ચપ્પલ પણ સુરક્ષા કારણોનો હવાલો આપીને ઉતરી લેવાયા હતા.

જાધવના પરિવાર સાથે એકજૂટતા બતાવવા માટે પ્રદર્શનકારીઓએ દૂતાવાસને પોતાના જૂના ચપ્પલો પણ દાનમાં આપ્યા છે. એક પ્રદર્શનકારીએ કહ્યું કે, જયારે તેઓ એક એવી પરેશાન મહિલાના જૂતા ચોરી શકે છે, તો મને આશા છે કે, તેઓ અમારા દ્વારા અપાયેલા ચપ્પલોનો પણ સારો ઉપયોગ કરશે. અન્ય એક પ્રદર્શનકારીએ કહ્યું કે, જાધવના પરિવારની સાથે કરાયેલા વ્યવહારથી પાકિસ્તાનના સંકુચિત માનસવાળા વિચાર ખુલ્લા પડે છે.

કેટલાક પ્રદર્શનકારીઓએ કહ્યું કે, નેતાઓ અને બાકીના લોકોએ એ સમજવાનુ રહેશે કે, પાકિસ્તાન સમગ્ર રીતે સંકુચિત માનસિકતા ધરાવતો દેશે છે, અને તે આ જ માનસિકતાથી ચલાવવામાં આવે છે.

પાકિસ્તાનની એમ્બેસીની બહાર જે લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા તેઓએ હાથમાં અનેક બેનર અને પ્લેકાર્ડ્સ લીધા હતા. જેની ઉપર લખ્યું હતું, ચંપલ ચોર પાકિસ્તાન અને પાકિસ્તાનને જૂતાના દાનની જરૂર છે. આ લોકોનું કહેવું હતું કે, પાકિસ્તાનને હવે માત્ર જૂતાં અને ચંપલની જ જરૂર રહી ગઇ છે.

ઉલ્લેખનીય છે કે, કુલભૂષણ જાધવના માતા અને તેની પત્ની તેને પાકિસ્તાનની પરમિશન બાદ મળવા ઈસ્લામાબાદ પહોંચ્યા હતા. – મુલાકાત પહેલાં તેમની તપાસ કરવામાં આવી હતી. જેમાં તેમના બિંદી, મંગળસૂત્ર, ચૂડીઓ સિવાય ચેતનાના સેન્ડલ સુદ્ઘાં ઓફિસરોએ ઉતરાવી દીધા હતા. આ મુલાકાત અંદાજિત ૪૪ મિનિટ ચાલી. ત્યારબાદ ફેમિલીને સેન્ડલ છોડીને બાકી બધો જ સામાન પરત કર્યો હતો. પાકિસ્તાન સરકારે કહ્યું, અમને શંકા છે કે ચેતનાના સેન્ડલમાં જાસૂસી ઉપકરણો લગાવેલા હોઇ શકે છે.

(4:11 pm IST)