Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

વેસ્ટમાંથી બેસ્ટ

- ૧.૫ ટન રદ કરાયેલી નોટોમાંથી ફાઈલ પેડ્સ બનાવવામાં આવ્યા છે :- ૧૦૦૦ ફાઈલ રોજ તૈયાર કરવામાં આવે છે : ચેન્નઈના કેદીઓ નોટબંધી દરમ્યાન રદ કરવામાં આવેલી ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટોમાંથી બનાવે છે સરકારી વિભાગોમાં ઉપયોગમાં આવે એવી સ્ટેશનરી

ચન્નાઈ, તા. ૮ :. ૨૦૧૬માં મોદી સરકારે ૫૦૦ અને ૧૦૦૦ રૂ.ની ચલણી નોટો રાતોરાત ચલણમાંથી રદ કરી ત્યારે ઘણો ઉહાપોહ સર્જાયો હતો અને લોકોએ નવી ચલણી નોટો બજારમાં ફરતી ન થાય ત્યાં સુધી ભારે હાલાકીને સામનો કરવો પડયો હતો. લોકોએ લાખો કરોડોના મૂલ્યની તેમની ચલણી નોટો બેન્કોમાં ઠાલવી હતી જેનુ શું થયું ? એ કોઈ જાણતુ નહોતું. જો કે હાલમાં જ તામિલનાડુમાંથી એક જેલમાં કેદીઓ આ રદ કરાયેલી ચલણી નોટોમાંથી સ્ટેશનરી બનાવતા હોવાની જાણ થઈ છે. જો કે અત્યારે આ સ્ટેશનરીનો ઉપયોગ માત્ર સરકારી વિભાગો દ્વારા જ કરવામાં આવે છે.

પુઝલની સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીઓ નોટબંધી દ્વારા સરકારે રદ કરેલી નોટોને નવું રૂપ આપે છે. આ રદ્દ થયેલી ફાટેલી-તૂટેલી ચલણી નોટોમાંથી તેઓ કસ્ટમાઈઝડ સ્ટેશનરી તૈયાર કરે છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ હતુ કે રાજ્ય સરકારના વિભાગો અને એજન્સીઓમાં આ સ્ટેશનરી ઉપયોગમાં લેવાય છે. રોજ સવારે વિશિષ્ઠ તાલીમ ધરાવતા પુઝલ જેલના આજીવન કારાવાસની સજા પામેલા પચ્ચીસથી ત્રીસ કેદીઓ હાથે તૈયાર કરેલા સ્ટેશનરી બનાવતા યુનિટની મદદથી આ નોટોમાંથી 'ફાઈલ પેડસ' નામે ઓળખાતી સ્ટેશનરી તૈયાર કરે છે. અત્યાર સુધીમાં ૧.૫ ટન રદ કરાયેલી કરન્સીનો ઉપયોગ ફાઈલ પેડ્સ બનાવવા માટે કરવામાં આવ્યો છે. પુઝલ ખાતે ચલણમાંથી પાછી ખેંચાયેલી નોટોમાંથી રોજના લગભગ ૧૦૦૦ ફાઈલ પેડ્સ તૈયાર કરવામાં આવે છે. ફાટેલી-તૂટેલી આ રદ કરાયેલી નોટોનો સૌ પ્રથમ પલ્પ તૈયાર કરવામાં આવે છે. ત્યાર બાદ એને ડાઈ મોલ્ડમાં નાખીને સખત બનાવવામાં આવે છે. અંતે એમાંથી કડક પૂંઠા તૈયાર કરવામાં આવે છે. આ સંપૂર્ણ પ્રક્રિયા મશીનની મદદ વિના હાથથી જ કરવામાં આવે છે. પ્રતિબંધીત નોટો ઉપરાંત ખાદીમાંથી વિશેષ રીતે મેળવવામાં આવતા હાર્ડ પેડ્સમાંથી પણ ફાઈલ પેડ્સ તૈયાર કરવામાં આવે છે.

(3:39 pm IST)