Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

દિલ્હીની પરેડ-અક્ષરધામ ઉપર હુમલાના ષડયંત્રનો પર્દાફાશ

ગણતંત્ર દિવસ પહેલા જ એક ત્રાસવાદીની ધરપકડઃ ર૬મીએ હુમલો કરવાના હતા ત્થા નિશાના ઉપર અક્ષરધામ મંદિર પણ હતુઃ આપી કબુલાતઃ ત્રાસવાદીના બે સાથીદારો હજુય ફરારઃ પોલીસે તપાસ શરૂ કરીઃ દિલ્હીમાં સુરક્ષા વધુ મજબુત બનાવી દેવામાં આવી

નવી દિલ્હી તા.૮ : ગણતંત્ર દિવસને કારણે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં હાઇએલર્ટ છે ત્યારે પોલીસે મથુરામાં નિઝામુદિન-ભોપાલ ટ્રેનમાંથી એક ત્રાસવાદીની ધરપકડ કરી છે. પુછપરછ દરમિયાન તેણે કબુલાત આપી છે કે હું અને મારા મિત્રો ર૬ જાન્યુઆરીના રોજ દિલ્હીના અક્ષરધામ મંદિર ઉપર ત્રાસવાદી હુમલો કરવાના હતા. દિલ્હી પોલીસે આ ત્રાસવાદીઓના સાથીઓની શોધખોળ માટે ઠેર-ઠેર દરોડા પાડયા છે. જે દરમિયાન તેના બંને સાથીઓ એક દિવસ પહેલા જ હોટલમાંથી ફરાર થઇ ગયા હતા.

ર૬મી જાન્યુઆરીના કાર્યક્રમ અને દિલ્હીના અક્ષરધામ મંદિર ઉપર ત્રાસવાદી હુમલો કરવાના હતા. તેણે પોતાનુ નામ બીલાલ અહેમદ જણાવ્યુ છે. તે અનંતનાગનો છે. તેણે જણાવ્યુ હતુ કે, મારા બે સાથીઓ દિલ્હીની જામા મસ્જીદ પાસેની હોટલ અલ રશીદમાં ઉતર્યા છે. આઇબી અને સ્પેશીયલ ટીમ ત્યાં રેડ કરવા પહોંચી પરંતુ તેઓ ૬ જાન્યુઆરીએ રાત્રે ૮-૩૦ કલાકે હોટલથી નીકળી ગયા હતા. યુપી પોલીસ પણ તપાસમાં લાગી છે. તેણે આપેલી કબુલાતથી પોલીસ ચોંકી ઉઠી છે. ર૬મી જાન્યુઆરી પહેલા અક્ષરધામ મંદિર ઉપર હુમલો કરવાના ષડયંત્રની એક કડી તો પોલીસને હાથ લાગી છે પરંતુ તેના બે સાથી ફરાર છે.

પોલીસની પુછપરછમાં જાણવા મળ્યુ છે કે આ બધા ૩ જાન્યુઆરીના રોજ અહી આવ્યા હતા. નિઝામુદિન ભોપાલ ટ્રેનમાં બીલાલની હરકત ટીટીને શંકાસ્પદ લાગી હતી અને તેણે પછી જીઆરપીને માહિતી આપી હતી. જીઆરપીએ તપાસ કરી યુપીની એટીએસને માહિતી આપી હતી. પહેલા તો તે ગાંડા જેવી હરકત કરવા લાગ્યો હતો પરંતુ તેની આકરી પુછપરછમાં તેણે ચોંકાવનારી કબુલાત આપી હતી.

(10:27 am IST)