Gujarati News

Gujarati News

News of Monday, 8th January 2018

એપ્રિલથી બદલશે રાજ્યસભાનો ચહેરોઃ NDAનો રહેશે દબદબો

૫૫ સભ્યોનો કાર્યકાળ પૂરો થશે

નવી દિલ્હી તા. ૮ : રાજયસભામાં ૨૭ જાન્યુઆરીથી કોંગ્રેસના ત્રણ સદસ્યોનો કાર્યકાળ પૂરો થવાની સાથે જ ભલે સત્તામાં રહેલી બીજેપી સૌથી મોટી પાર્ટી બને પરંતુ ઉચ્ચ સદનની વાસ્તવિક તસવીર તો એપ્રિલમાં જ બદલશે જયારે ૫૫ સભ્યોનો કાર્યકાળ પૂરો થશે.

એપ્રિલમાં જેનો કાર્યકાળ પૂરો થશે તેમાં કેન્દ્રિય મંત્રી અરૂણ જેટલી, જેપી નડ્ડા, રવિશંકર પ્રસાદ, પ્રકાશ જાવડેકર, કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારી, રાજીવ શુકલા, રેણુકા ચૌધરી તથા નોમીનેટેડ સભ્ય રેખા અને સચિન તેંડુલકરનો પણ સમાવેશ થાય છે.

એપ્રિલમાં બીજેપીના ૧૭, કોંગ્રેસના ૧૨, એસપીના ૬, બીએસપી, શિવસેના, સીપીએમના એક-એક, જેડીયુ તથા તૃણમુલ કોંગ્રેસના ૩-૩, ટીડીપી, એનસીપી, બીજેડીના ૨-૨ અપક્ષ તથા નોમિનેટેડ ત્રણ સભ્યોનો કાર્યકાળ પૂરો થશે. બીજેપી ઉત્તરપ્રદેશમાંથી પોતાની સીટ વધારશે. જયારે કોંગ્રેસને ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી સીટ મળશે.

આ મહિને ૨૭ જાન્યુઆરીના રોજ ઉચ્ચ સદનમાં કોંગ્રેસના જનાર્દન દ્વિવેદી, પરવેઝ હાશમી અને ડો. કર્ણ સિંહ સેવાનિવૃત થઇ રહ્યાં છે. ત્રણે રાજયસભામાં દિલ્હીનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે અને તેમના સ્થાન પર આમ આદમી પાર્ટીના ત્રણ સભ્યો આવશે. આ ત્રણ સભ્યના ગયાં પછી કોંગ્રેસની સંખ્યા ઘટીને ૫૪ થશે. ફેબ્રુઆરીમાં સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટના હિશે લાચુંગપા ૨૩ તારીખે સેવાનિવૃત થશે.

એપ્રિલ મહિનામાં એસપીના નરેશ અગ્રવાલ, જયા બચ્ચન, કિરણમય નંદા, બીએસપીના મુનકાદ અલી, કોંગ્રેસના શાદીલાલ બત્રા, સત્યવ્રત ચતુર્વેદી, ડો. કે. ચિરંજીવી, રેણુકા ચૌધરી, રહમાન ખાન, રજની પાટિલ, રાજીવ શુકલા, પ્રમોદ તિવારી, નરેન્દ્ર બુઢાનિયા અને અભિષેક મનુ સિંઘવી જેવા મહત્વના નામનો સમાવેશ થાય છે.(૨૧.૯)

(10:02 am IST)