Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

સરહદમાં ઘૂસી આવેલી બે છોકરીને પાછી મોકલાઈ

કાશ્મીર સરહદે ભારતીય સેનાની માનવતા : પીઓકેની બે છોકરી ભુલથી ભારતીય સરહદમાં ઘૂસી હતી

નવી દિલ્હી, તા. : અનેકવાર એવું જોવા મળે છે કે લોકો ભૂલથી સરહદ પાર કરી લે છે. ત્યારબાદ તમામ કાયદાકીય પ્રક્રિયાઓ થાય છે. પ્રોસેસિંગમાં ઘણો સમય લાગી જાય છે. સાથે ભૂલથી સરહદ પાર કરનારા વ્યક્તિમાં પણ ઘણો ડર રહે છે કે દેશની સેના અમારી સાથે કેવો વ્યવહાર કરશે. પરંતુ હિન્દુસ્તાનની સેનાએ પાડોશી દેશ માટે એક ઉદાહરણ પુરુ પાડ્યું છે. ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની બંને છોકરીઓ અજાણતા ભારતીય સરહદમાં દાખલ થઈ હતી.

ભારતીય સેનાની નજર જ્યારે તેમના પર પડી તો શકના આધારે તેમને પકડવામાં આવી, પરંતુ આજે તેમને પાછી મોકલવામાં આવી છે. બંને છોકરીઓ જમ્મુ-કાશ્મીરના પુંછમાં આવી ગઈ હતી, તેમને આજે ચાકન દા બાગ ક્રોસિંગ પોઇન્ટથી પરત મોકલવામાં આવી છે. જાણકારી પ્રમાણે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં કહુતા તાલુકાની રહેવાસી લાઈબા જબૈર (૧૭) અને તેની નાની બહેન સના જબૈર (૧૩)ને ભારતીય સૈનિકોએ ભારતીય સરહદમાં આવ્યા બાદ કસ્ટડીમાં લીધી હતી.

રક્ષા પ્રવક્તાએ કહ્યું કે, "અબ્બાસપુરની છોકરીઓ જે પીઓકેના કહુતા તાલુકાની છે. તેઓ અજાણતા પુંછમાં ભારતીય પક્ષમાં આવી ગઈ હતી. તેમને આજે ચાકન દા બાગ (સીડીબી) ક્રોસિંગ પોઇન્ટથી પરત મોકલવામાં આવી છે." બંને છોકરીઓને સીડીબી બિંદુ પર પાક અધિકારીઓએ રિસીવ કરી. એલઓસી પાર કરનારી છોકરીઓમાં એક છોકરી લાઇબા જૈબરે કહ્યું કે, "અમે અમારો રસ્તો ભૂલી ગયા હતા અને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કર્યો."

તેણે કહ્યું કે, "અમને ડર હતો કે સેનાના જવાનો અમારી સાથે મારઝુડ કરશે, પરંતુ તેમણે અમારી સાથે ઘણો સારો વ્યવહાર કર્યો.

અમે વિચાર્યું હતુ કે અમને પાછા નહીં જવા દે, પરંતુ આજે અમને ઘરે મોકલવામાં આવી રહી છે. લોકો અહીં ઘણા સારા છે."

(7:16 pm IST)